આ બાજુ શહેરમાં જરીક વરસાદ પડ્યો નથી કે બીજી બાજુ તરત જ મિડિયામાં ‘સરકારી તંત્રોની પોલ’ ખુલી જાય છે ! અને તંત્રો ‘ઊંઘતા ઝડપાય’ છે !
જોકે આ બધું તો ચાલતું જ રહેવાનું પણ સરકારે પ્રજાને રાહત આપવા માટે અમુક નવી સેવાઓ ચાલુ કરવા જેવી છે…
***
ભૂવા-આગાહી સેવા
આ સેવા બહુ કામની છે. અને કામ પણ સિમ્પલ છે. કરવાનું એટલું જ, કે રસ્તાઓની ચકાસણી કરીને ક્યાં ક્યાં ભૂવા પડી શકે છે તેની ‘આગાહી’ કરવાની !
પછી ત્યાં ‘અકસ્માત ઝોન’ની જેમ ‘સંભવિત ભૂવા-ઝોન’ એવાં પાટિયાં મારી રાખવાનાં !
(જાનકારી હી બચાવ.)
***
નૌકા-વિહાર સેવા
માત્ર ત્રણ ઇંચ વરસાદથી જ્યાં તળાવો ભરાઈ જાય છે ત્યાં રબરની ટ્યુબવાળી હોડીઓ જાહેર જનતા માટે ફ્રીમાં મુકી દો ! પબ્લિક જાતે નૌકા-વિહાર કરી કરીને મસ્ત મજાના વિડીયો અપલોડ કરશે.
(આફતને અવસરમાં પલટો.)
***
વોટર-કલર સેવા
આને ‘કલર-વોટર’ સેવા પણ કહી શકાય. આ કામ પણ સાવ સિમ્પલ છે. અમુક વિસ્તારોમાં ફેકટરીઓનાં કેમિકલ્સ પાણીમાં ભળી જાય છે ત્યારે વરસાદી પાણી ડાર્ક રેડ કલરનું દેખાય છે ! પણ માત્ર ડાર્ક રેડ શા માટે ? આપણે એવી વ્યવસ્થા ગોઠવો કે વિવિધ વિસ્તારોમાં જુદાં જુદાં કેમિકલ્સ વડે જુદા જુદા કલરનાં પાણી ભરાયેલા જોવા મળે ! ગુલાબી… પોપટી… કેસરી…
(જીવ્યા કરતાં જોયું ભલું.)
***
વાયરલ-વિડીયો સેવા
બિચારી પ્રજાએ જોખમ ખેડીને કેવા કેવા ખતરનાક વિડીયો બનાવવા પડે છે ? ભૂવામાં ગરક થઈ જતી કાર… ઘરમાં તરતાં વાસણ… તૂટી પડેલાં ઝાડ… તણાઈ જતાં તગારાં… શું આ બધું કામ આપણી પાર્ટીના ‘વિડીયો-સેલ’વાળા ના કરી શકે ? એ લોકો ધારે તો ડ્રોન પણ ભાડે લઈ શકે !
(ગુજરાત નહીં દેખા તો ક્યા દેખા.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment