ઈન્ડો-યુએસ કરારની કોમેન્ટો !

મોદી સાહેબે અમેરિકામાં જઈને બાઈડેન સાહેબ સાથે જે મોટા મોટા કરાર કર્યા છે તે તો સારી જ વાત છે પણ અમુક લોકોની કોમેન્ટો જાણવા જેવી છે ! સાંભળો…

*** 

હવે અમદાવાદમાં જ અમેરિકન વિઝાની ઓફીસ ખુલશે એટલે આપણે મુંબઈ સુધી નહીં જવું પડે.

આ બાબતે અમદાવાદીઓ કહે છે :
‘ભૈશાબ છેલ્લા પંદર વરસથી મુંબઈ-અમદાવાદની બુલેટ ટ્રેન ચાલુ ના થઈ શકી એટલે છેવટે આવું કરવું પડ્યું એમ ને ? ભલે ભલે…’

*** 

અમેરિકા અને ભારત મળીને અવકાશમાં સંશોધનનું કામ કરશે.

વિરોધપક્ષો :
‘હાસ્તો ! ભારતમાં કાળા નાણાંનું સંશોધન કામ કરવા માટે તો EDને રાખી જ છે ને !’

*** 

અમેરિકા ભારતમાં જેટ વિમાનના એન્જિનો બનાવશે.

મુસાફરો :
‘એના કરતાં ટ્રેઈનો ટાઇમસર ચાલે એવાં રેલ્વે એન્જિનો બનાવી આપો ને ?’

*** 
અમેરિકા ભારત સાથે ટેકનોલોજીના અનેક ક્ષેત્રોમાં પણ સહયોગ કરશે.

કોમનમેન :
‘વેરીગુડ, એમાં એક એવી ટેકનોલોજીનો ઉમેરો કરજો જેનાથી અમારા નવા નક્કોર બ્રિજ ચાલુ થાય એ પહેલાં જ તૂટી ના પડે !’

*** 

ભારત અમેરિકા પાસેથી ડ્રોન વિમાન પણ ખરીદશે.

પાકિસ્તાન :
‘એની શી જરૂર હતી ? અમે તમારે ત્યા સરહદ પારથી મોકલીએ જ છીએ ને !’

*** 

ટેસ્લા કારના માલિક એલન મસ્ક ભારતમાં એની ફેકટરી નાખશે.

ટ્રાફિક પોલીસ :
‘અમારો સખ્ખત વિરોધ છે ! કેમકે પછી અમે મેમો ફાડવાની ધમકી આપીને 200-500ની લાંચ કોની પાસેથી લઈશું ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments