‘આદિપુરુષ’ વિશેની ટીકાઓ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેની કમાણી ઘટતી જાય છે. હવે તો માહૌલ એવો છે કે લોકોને ફિલ્મ જોવા કરતાં એના વિશેની કોમેન્ટો જોવાની વધારે મઝા પડી રહી છે !
તો તમે પણ એ મઝા લો…
***
તમે રસ્તે જતા હો અને નાનકડું ટોળું એકાદ પાકિટમારને ધોલધપાટ કરી રહ્યું હોય ત્યારે તમે પણ જઈને થોડો ટપલીદાવ કરવાની મઝા લઈ લો છો ને ?
- બસ, જેણે આદિપુરુષ જોયું જ નથી છતાં એની ફિરકી લેનારાઓની આ જ મેન્ટાલિટી છે !
***
અમુક લોકો હવે કહે છે કે ભેગાભેગી શૂર્પણખાની પાસે એક આઇટમ સોંગ કરાવી લીધું હોત તો શું વાંધો હતો ?
- બીજા અમુક લોકોને લાગે છે કે ‘આદિપુરુષ’ની કમાણી ઘટી ગઈ છે એનું મેઇન કારણ આ જ છે ! બોલો.
***
ફિલ્મમાં રાવણ વીણા વગાડતો હોય છે ત્યારે એના મહેલમાં મોટાં મોટાં રાવણનાં પથ્થરનાં પૂતળાં પણ સાથે ગીત ગાતાં બતાડ્યાં છે ! બોલો, ડિરેક્ટર ઓમ રાઉતને આ આઈડિયા કઈ ફિલ્મમાંથી આવ્યો હશે ?
- ગીત ગાયા પથ્થરોં ને !
***
આજકાલ ઓમ રાઉતના બેસ્ટ ફ્રેન્ડ્ઝ હજારોની સંખ્યામાં ફૂટી નીકળ્યા છે !
- કેમકે જે વાત બીજા લોકો પીઠ પાછળ કહેતા હોય છે, તમારા બેસ્ટ ફ્રેન્ડ્ઝ એ વાત તમારા મોં ઉપર કહેતાં અચકાતા નથી ! હાહાહા….
***
‘કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી… અબ જલેગી તેરે બાપકી…’ આ ડાયલોગમાં ફેરફાર કરીને હવે ‘અબ જલેગી તેરી લંકા…’ કરવામા આવ્યું છે.
- હવે શ્રીલંકામાં આનો સખત વિરોધ થયો છે ! કેમ ? અરે ભાઈ, એ લોકો ભારતથી કાપડ અને ઓઈલની આયાત કરે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment