અમુક લોકો એવા... !

દુનિયામાં બધાં સરખા નથી હોતા. અમુક લોકો એવા હોય છે જેનાં લક્ષણો જરા અલગ જ હોય છે ! જેમકે…

*** 

અમુક લોકો એવા હોય છે કે તેઓ બોલે ત્યારે ‘સાંભળવાનું’ મન થાય છે…

જ્યારે અમુક લોકો એવા હોય છે કે એ બોલે કે તરત એમને ‘સંભળાવી’ દેવાનું મન થાય છે !

*** 

અમુક લોકોને જ્યાં જાય ત્યાં એમને બહુમાન મળે છે…

અમુક લોકોને અમુક વખતે બહુમાન આપવું પડે છે…

અને અમુક લોકો જ્યાં જાય ત્યાં ‘બહુ માન’ માગતા ફરે છે !

*** 

અમુક લોકો ડહાપણના ભંડાર હોય છે…

જ્યારે અમુક લોકો દોઢ-ડહાપણના ભંડાર હોય છે !

*** 

અમુક લોકોને હંમેશાં ઝગડો કરવાની ટેવ હોય છે. આવા લોકો આગળ જઈને ગુંડા બને છે.

તો અમુક લોકોને બીજાઓને ઝગડાવી મારવાની ટેવ હોય છે. આવા લોકો આગળ જઈને રાજકારણીઓ બને છે !

*** 

અમુક લોકો જીવવા માટે ખાય છે.

અમુક લોકો ખાવા માટે જીવે છે.

પણ અમુક લોકો તો ખાવા માટે ચૂંટાય છે !

*** 

અમુક લોકો સવારથી જાગી જાય છે…

તો અમુક લોકો એવા હોય છે જે ‘જે જાગ્યા ત્યાંથી સવાર’ માને છે અને બપોરે બાર વાગે બ્રશ કરતા હોય છે ! બોલો.

*** 

અમુક લોકો પાસે જ્યારે પૈસાની કમી હોય છે ત્યારે એમને દોસ્તોની કમી નથી હોતી…

પણ અમુક લોકો પાસે જ્યારે પૈસાની કમી નથી હોતી ત્યારે એમના દોસ્તો જ ‘કમીના’ હોય છે !

*** 

(આ છેલ્લું ધ્યાનથી વાંચજો…)

અમુક લોકો જ્યાં જાય છે ત્યાં લોકો ખુશ થઈ જાય છે….

પણ અમુક લોકો ‘જ્યાંથી’ જાય છે ત્યારે જ લોકો ખુશ થતા હોય છે ! હાશ ગયો…

***

- મન્નુ શેખચલ્લી

Comments