પેલા જુનાગઢની કેરી ભરેલા ટોપલાની રખેવાળી કરતા સિંહનો ફોટો જોયો ને ? અને એકસાથે સાત સિંહ પાણી પીવા આવ્યા છે તેનો વિડીયો પણ જોયો ને ?
હવે બન્યું એવું કે યુનાઇટેડ નેશન્સે સ્પર્ધા જાહેર કરી કે સિંહો વિશે શ્રેષ્ઠ પુસ્તક કોણ પ્રગટ કરી શકે છે…
***
બ્રિટીશરોને તો હજી ફાંકો છે કે એમણે ભારત ઉપર 200 વરસ રાજ કર્યું હતું. એટલે એમણે પુસ્તક બહાર પાડ્યું, જેનું નામ હતું :
‘ધ ગ્રોથ એન્ડ પાવર ઓફ ઇન્ડિયન લાયન અંડર ધ બ્રિટીશ એમ્પાયર રૂલ.’
***
ફ્રાન્સ તો આખો દેશ જ રોમાન્ટિક છે ! એમણે સરસ મઝાની પાતળી છતાં બ્યુટિફૂલ બુકલેટ બહાર પાડી નામ રાખ્યું :
‘રોમાન્સ ઓફ લાયન્સ ઇન જંગલ્સ ઓફ ધ વર્લ્ડ’
***
જર્મન પ્રજા બધી વાતમાં બહુ ઊંડી રિસર્ચ કરવામાં માને છે. એમણે તો સામટાં 25 થોથાં બહાર પાડ્યાં. છતાં નામ તો જાણે એવું રાખ્યું કે – આ તો કંઈ નથી…
‘એન એલિમેન્ટ્રી ઇન્ટ્રોડક્શન ટુ ધી બિહેવિયરલ સાયન્સિસ ઓફ એશિયાટીક, આફ્રિકન એન્ડ પ્રિ-હિસ્ટોરીકલ લાયન્સ !’
***
જાપાનવાળા બધું નાનું કરી નાંખવામાં માને. એમના કવિઓએ ભેગા મળીને સાવ માચિસની ડબ્બી જેવી 17 પુસ્તિકા બહાર પાડી :
‘મુવિંગ પોએટ્રી ઇન લાયન્સ રોર’
***
આ બાજુ ગુજરાતમાં સાહેબના ભક્તો મંડી પડ્યા ! માત્ર 12 દિવસના રેકોર્ડ ટાઇમમાં એમણે પુસ્તક છાપી નાંખ્યું :
‘ગુજરાતનો સાવજ !’
***
ગમ્મત એક જ થઈ. ગુજરાતનું પુસ્તક યુનોમાં પહોંચ્યુ કે તરત ઇ-મેઇલ આવ્યો :
‘ઓહો ! અમને તો ખબર જ નહીં કે ગિરના સિંહે એટલી ઉત્ક્રાંતિ કરી છે કે હવે તે દેશનો નેતા બની ગયો છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment