ગુજરાતી પ્રજાને સલામ છે ! આવડા મોટા વાવાઝોડાની આફત વચ્ચે પણ એમની સેન્સ ઓફ હ્યુમર ઝબકતી રહી છે. આ જ સ્પિરીટને આગળ વધારતાં પ્રસ્તુત છે થોડી કાલ્પનિક ટચૂકડી જાહેરખબરો…
***
ઉડતી લુંગીઓ મળશે
ઉડતી શેતરંજીની જેમ હવે ઉડતી લુંગીઓ, ઉડતી સાડીઓ તેમજ ઉડતા પાયજામા મળશે. તમામ આઈટમો ત્રણ કલાકમાં ત્રીસ કિલોમીટર સુધી ઊડી શકવાનો અનુભવ ધરાવે છે.
***
ટાંકી મળી આવી છે
એક સફેદ રંગની પીવાના પાણીની પ્લાસ્ટિકની ટાંકી મળી આવેલ છે. ઉપર લખેલ નંબર વરસાદમાં ધોવાઈ ગયો છે. જેની હોય તે જાતે આવીને અંદર જે પીવાનું પાણી હતું તે આપીને ટાંકી છોડાવી જાય.
***
જોઈએ છે શીખાઉ ઈલેક્ટ્રીશયનો
ઉખડી ગયેલા થાંભલા ઉપરથી વીજળીના વાયરો જાતના જોખમે જોડી આપે એવા શીખાઉ ઈલેક્ટ્રીશીયનો જોઈએ છે. ખાસ નોંધ : ઉમેદવારે પોતાનો જીવનવીમો ઉતારેલો હોવો જરૂરી છે.
***
પપ્પાની પરી ખોવાઈ છે
ન્યુઝ એન્કરની નકલ કરીને હાથમાં ગુલાબી છત્રી ઝાલીને વાવાઝોડામાં રિપોર્ટિંગ કરતી હોય એવો વિડીયો બનાવવા જતાં એક યુવતીને પાંખો આવી હોવાની શક્યતા છે. વાવાઝોડા સાથે ઊડી ગયેલી પપ્પાની આ પરી પાંખો સાથે કે પાંખો વિના મળી આવે તો જાણ કરવા વિનંતી છે.
***
ઇંટો મળી, વ્યક્તિ ગાયબ
ગુમશુદા વ્યક્તિની તલાશ કરતાં ગામના બસ-સ્ટોપ પાસેથી દોરડાં વડે બાંધેલી ચાર ઇંટો મળી આવી છે. પરંતુ એ જ દોરડા વડે બાંધેલા એક પાતળા સરખા ભાઈ (વજન માત્ર 31 કિલો) ગાયબ છે. ડ્રોન કેમેરા વડે શૂટિંગ કરતાં જો ઝાડ ઉપર કે મકાનનાં પતરાં ઉપર દેખાય તો વિડીયો વાયરલ કરવા વિનંતી છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment