એ હા.. હોં !?

અમુક વાતો એવી હોય છે કે માણસ વિચારતો જ રહી જાય પણ એનો ઉકેલ કદી જડતો નથી… છતાં એ વાત જાણ્યા પછી જરૂર બોલી જાય છે કે ‘એ હા… હોં !’ જેમકે…

*** 

ગામડામાં ગાયોને ઘરમાં બાંધીને રાખે છે અને કૂતરાંઓ ગામમાં છૂટા ફરતા હોય છે.

જ્યારે શહેરમાં કૂતરાંને ઘરમાં બાંધીને રાખે છે અને ગાયો રસ્તા પર છૂટી ફરતી હોય છે !

(એ હા… હોં !)

*** 

અગાઉના લગ્નોમાં જમવાવાળા બેસી રહેતા હતા અને પીરસવાવાળા ફરતા રહેતા હતા. 

આજે જમવાવાળા આખા ગ્રાઉન્ડમાં ફરતા રહે છે અને પીરસવાવાળા ચૂપચાપ ઊભા હોય છે !

(એ હા… હોં !)

*** 
પહેલાં વડીલો લગ્ન ગોઠવી કાઢતા અને છોકરા-છોકરીઓ માત્ર હા પાડતા હતા. 

આજે છોકરા-છોકરીઓ જાતે જ લગ્ન ગોઠવી કાઢે છે અને વડીલો માત્ર ‘હા’ પાડે છે !

(હવે બોલો… એ હા… હોં !?)

*** 

અગાઉ તડબૂચ મોટાં આવતાં હતાં ત્યારે ફ્રીજ નાનાં હતાં.

આજે ફ્રીજ મોટાં થઈ ગયાં છે ત્યારે તડબૂચ નાનાં નાનાં આવે છે. બોલો.

(એ હા… હોં !)

*** 
આજે સ્કુલમાં પહેલી બેન્ચ ઉપર બેસનારને બધા પ્રશ્નોના જવાબ આપતાં આવડે છે.

પણ આવતી કાલે બધા પ્રશ્નોનો સામનો કરી શકે એવા સૌ છેલ્લી બેન્ચ ઉપર બેસનારા જ નીકળશે !

(વિચારી જોજો…)

*** 

બાકી, અગાઉ જે માણસો સાઇકલ પર બેસીને કાર ચલાવવાનાં સપનાં જોતા હતા.

એ જ માણસો આજે કારમાં બેસીને જિમમાં સાઇકલ ચલાવવા જાય છે !

(એ હા… હોં !)

***

- મન્નુ શેખચલ્લી

Comments