વાવાઝોડાની હળવી બાજુથી !

છેક 9 જુનથી ‘બિપરજોય’ નામનું વાવાઝોડું આવું… આવું… કરી રહ્યું છે ! ઉલ્ટું, એના વિશેની જોક્સ વધારે તોફાની ઝડપે પ્રસરી રહી છે. ચાલો, એમાં થોડા ઉમેરા કરીએ…

*** 

યાર, આ ‘બિપરજોય’ છે કે ‘આદિપુરુષ’ મુવી ?

કેટલાય વખતથી ‘કમિંગ સુન… કમિંગ સુન…’ ચાલી રહ્યું છે ! બબ્બે વાર ટ્રેલર લોન્ચ થાય છે, ચાર ચાર વાર ડેટ પોસ્પોન થાય છે, અને મેઇન મુવી કરતાં એના ટ્રેલરની વધારે ચર્ચા થાય છે !

*** 

ગુજરાતમાં જે લોકોએ દરિયાકાંઠેનાં ગામોમાંથી સ્થળાંતર કરવું પડ્યું છે એ લોકોની ફરિયાદો :

‘સવારની ચા હાર્યે ગાંઠીયા ખાવાનો મેળ નથી પડતો…’

‘બપોરે 1 થી 4 હરખી રીતે ઊંઘવા ય નથી દેતા… સાયરનું વગાડીને…’

‘રાતે હવે સોડા પીવા ક્યાં જાવું ? હંધુય ડિસ્ટબ કરી નાંયખું…’

પણ પેલી બાજુ પાકિસ્તાનના દરિયા કિનારે શું ચાલી રહ્યું છે ?

‘મિયાં, અબ તો તૂફાન આ હી જાયે તો અચ્છા, કમ સે કમ પાંચ – સાત દિન કે લિયે સરકાર કી તરફ સે દાલ-રોટી કા તો ઇન્તજામ હો જાવે ?’

*** 

કલેક્ટર સાહેબ દરિયા કિનારે જાત તપાસ માટે આવ્યા : જીપમાંથી ઉતરીને કર્મચારીઓને સવાલ કર્યો :

‘હજી સ્થળાંતરનું કામ પુરું નથી થયું ? આ દરિયા કિનારે પેલા 50-60 જણા કેમ હજી ત્યાં જ ઊભા છે ?’

‘સાહેબ, એ લોકો મિડીયાવાળા છે !’

*** 

બ્રેકિંગ ન્યુઝ : (1)
વાવાઝોડાને પત્ની સાથે સરખાવતા વિડીયો અને જોક્સના વિરોધમાં મહિલાઓ મોરચો કાઢશે.

બ્રેકિંગ ન્યુઝ : (2)
હવામાન ખાતાની નવી ચેતવણી. માત્ર દરિયાકાંઠે જ નહીં, આખા રાજ્યમાં રેડ એલર્ટની ઘોષણા !

***

- મન્નુ શેખચલ્લી

Comments