બીજા કોઈના નહીં પણ પોતાનાં જ બેસણામાં આવ્યાં હોય એ રીતે બે જણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયાં.
મેડમનો ચહેરો બે કલાક સુધી પ્રેશર કુકરમાં બાફીને હમણાં જ બહાર કાઢ્યો હોય એવો લાગતો હતો. મેડમની સાથે જે મિસ્ટર હતા એમનો ચહેરો આખી રાત આથો લાવવા માટે મુકી રાખેલા હાંડવાના ખીરા જેવો હતો.
‘કંપ્લેન લખાવવાની છે. ઘરમાં ચોરી થઈ છે.’ મેડમનો અવાજ પ્રેશર કુકરની બગડી ગયેલી સીટી જેવો ફૂસફૂસિયો નીકળ્યો.
હવાલદારે હેડ કોન્સ્ટેબલના ટેબલ બાજુ ઈશારો કર્યો. હે.કો.એ (હેડ કોન્સ્ટેબલે) બપોરની ચ્હા નહોતી પીધી એટલે ચહેરા ઉપર વાસી ચ્હાની ડાર્ક બ્રાઉન મલાઈની ખોપડી બાઝી હોય તેવી સુસ્તી હતી.
‘અમે ગોવા ગયા હતા. આવીને જોયું તો ફ્લેટની બારીની ગ્રીલ તૂટેલી હતી અને બેડરૂમના કબાટમાંથી 47 લાખ 52 હજારનાં ઘરેણાંની ચોરી થઈ ગઈ છે. જુઓ આ-’
મેડમે પોતાનો મોંઘો આઈ-ફોન કાઢીને એમાં હમણાં થોડી જ વાર પહેલાં લીધેલો બેડરૂમનો વિડીયો બતાડ્યો.
હે.કો. અકળાયા. ‘મેડમ, આમાં અમને કંઈ ફિંગર પ્રિન્ટો દેખાવાની છે ? કેટલાં ઘરેણાં ચોરાયાં, ક્યારે ચોરાયાં… એની વિગતો -’
હે.કો. હજી આગળ બોલે ત્યાં હાંડવાનું ખીરું જેવો ફેસ લઈને બેઠેલા મિસ્ટર બોલ્યા : ‘બિલો છે, બધાનાં… ઝેરોક્સ કોપીઓ આપું ?’
હે. કો.ને ઠંડી પડી ગયેલી ચ્હા જેવું બગાસું આવ્યું. ‘બિલો પરથી કંઈ ચોર થોડો શોધાય ? ઘરેણાનાં કંઈ ફોટા-બોટા હોય તો -’
‘છે ને !’ કુકરમાં બાફેલો મેડમનો ચહેરો જરા ચમકી ઉઠ્યો. એમણે તરત જ આઈ-ફોનના સ્ક્રીન ઉપર આંગળીઓ નચાવીને, ઇમેજીસ ખોલીને હે. કો.ને બતાડી.
એ જોતાંની સાથે જ હે.કો.નું બગાસું ગાયબ થઈ ગયું ! જાણે હમણાં જ આદુ-લસણ-ફૂદીનાવાળી ચ્હાના ચાર ઘુંટડા પીધા હોય તેમ તે ખુરશીમાંથી અડધા ઊભાં થતાં બોલી ઊઠ્યા:
‘અર્રેર્રે… એ ! તમે શિલ્પા પરીખ છો ?! પહેલાં કહેવું જોઈએ ને ? પેલા હસબન્ડ-વાઇફની જોક્સના મસ્ત વિડીયો બનાવો છો એ જ ને ? સોરી હોં ? મેકપ વિના હું તમને ઓળખી ના શક્યો !’
‘ઠીક છે.’ મિસ્ટરે ઉકળતી ચ્હામાં ઠંડુ પાણી રેડ્યું. ‘પણ આ બધાં ઘરેણાં ચોરનારો મળી તો જશે ને ?’
હે. કો. એની જ ધૂનમાં હતો. ‘અરે, હું તો તમારા ફેસબુક પેજનો ફેન છું ! મેડમ, તમે તમારા હસબન્ડને ‘બબુ’ કહીને બોલાવો છો અને તમારા હસબન્ડ તમને ‘બેબ્બી’ કહીને બોલાવે છે, એ જ ને ! સખ્ખત જોક્સો લાવો છો હોં ?’
‘હા, ઠીક છે. પણ આ ઘરેણાં-’
‘ઘરેણાંનું છોડો ને ? તમે મને ઓળખ્યો કે નહીં ? હું શાયર ગુલઝાર ! કંઈ કેટલી યે વાર તમારા માટે શાયરીઓ લખઈને પોસ્ટ કરી છે ! તમે લાઇક પણ કરો છો, દર ફેરી !’
‘લાઇકની ક્યાં માંડો છો ?’ હવે મિસ્ટરનો પિત્તો ગયો. ‘તમે પહેલાં ફરિયાદ લખો અને પછી કહો કે આ ચોરાયેલા ઘરેણાં અમને પાછાં મળશે કે નહીં ?’
‘એ તો મુશ્કેલ છે હોં…’ હે.કો.ના અવાજમાં કોઈ નવો જ રણકો ઉમેરાયો. ‘કેમકે અમારે તો હવે સત્તાવીસ હજાર નવસો ને પિસ્તાલિસ શકમંદોની તલાશી લેવાની ને ?’
‘એટલે ? તમે કહેવા શું માગો છો ?’
‘કેમકે એટલા તમારા ફેસબુક ફ્રેન્ડ્ઝ છે…!! જુઓ મેડમ, તમે પોતે જ તમારા ફેસબુક પેજમાં માય ન્યુ ડાયમન્ડ નેકલેસ, માય ન્યુ પ્લેટીનમ બેંગલ્સ, માય ન્યુ ગોલ્ડ રીંગ… એમ લખી લખીને તમારા ફોટા મુક્યા છે. ઉપરથી તમે ગોવામાં જે છબછબિયાં કર્યાં તેની સાથે રોજે રોજ લખ્યું… નાઇન ડેઇઝ ટુ ગો, એઇટ ડેઇઝ ટુ ગો… સેવન ડેઇઝ ટુ ગો… મતલબ કે તમારું ગોવા વેકેશન કેટલા દહાડા ચાલવાનું છે એ પણ લખ્યું ! અને તમારા એપાર્ટમેન્ટની એન્ટ્રી, એનું લોકેશન, તમારા બેડરૂમનો આખેઆખો વિઝ્યુઅલ નકશો, આ તો બધું તમારી ફેસબુકમાં હતું જ ! પછી ચોર તો નિરાંતે એનું કામ કરી જ જાય ને ?’
ખેર, કંમ્પલેન લખાવીને પાછા આવ્યાં. પોલીસો આવીને ફિંગરપ્રિન્ટો માટે ફાંફા પણ મારી ગયા. મેડમે ‘હું તો લુંટાઈ ગઈ… બરબાદ થઈ ગઈ… ચોરટા, તારું નખ્ખોદ જશે…’ એવા વિડીયો બનાવીને હજારો વ્યુઝ પણ લઈ લીધા… છતાં ઘરેણાં પાછાં ન જ આવ્યાં.
પણ હા, એક દિવસે એક ફોન આવ્યો ! સામેવાળો સખત ગુસ્સામાં હતો. મણમણની જોખાવ્યા પછી એણે કહ્યું:
‘સાલી બબ્બુડી ! તું અમને મુરખ સમજે છે ? તારાં તમામ ઘરેણાં નકલી નીકળ્યાં ! તારાં સુડતાળીસ લાખનાં ઘરેણાંની કિંમત સુડતાળીસ રૂપિયા પણ નથી ! તું હવે જોજે… એક દિવસ ખરેખર તારાં સાચાં ઘરેણાં ના ચોરી જાઉં તો મારી મૂછ મુંડાવી નાંખીશ !'
‘ઓકે.’ મેડમ ફોન કટ કરીને ટિપોય ઉપર મુકતાં સામે બેઠેલા ઇન્શ્યોરન્સ એજન્ટને કહ્યું :
‘હવે વીમાની રકમ જલ્દી પાસ થાય એવું કરાવો તો તમારું કમિશન પાંચ ટકા ! બોલો શું કહો છો !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment