'સરદાર' ચંદુલાલ અને સરદાર વલ્લભભાઈ પટેલ...

ગયા સોમવારે લેખના અંતે ત્રણ સવાલ રમતા કરેલા એમાંનો એક સવાલ એમ હતો કે ‘સરદાર’ ચંદુલાલ શાહ અને સરદાર વલ્લભભાઈને સાંકળતો કિસ્સો શું હતો ? 

તો વાત એમ હતી કે આઝાદીની લડત દરમ્યાન સરદાર વલ્લભભાઈને જાણવા મળ્યું કે ચંદુલાલ શાહ નામના ગુજરાતી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સા આગેવાન ગણાય છે અને ‘સરદાર’ના ઉપનામે ઓળખાય છે ! તેમણે ચંદુલાલ સાથે મુલાકાત ગોઠવીને કહ્યું : ‘દેશની આઝાદીની લડત માટે મોટા મોટા શ્રેષ્ઠીઓ દાન કરી રહ્યા છે. મુંબઈના ફિલમવાળા શું આપી શકે ?’ 

ચંદુલાલે કહ્યું ‘તમે આંકડો પાડો એટલી વાર…’ 

હજી વલ્લભભાઈ એમ બોલ્યા કે ‘આખા મુંબઈના શ્રેષ્ઠીઓ પાસેથી મળીને એકાદ લાખ થઈ જાય એવો લક્ષ્યાંક છે…’ 

ત્યાં તો ચંદુલાલે કહી દીધું ‘આપણા તરફથી એકાદ લાખ થઈ થઈ ગયા, સમજો! ’ 

જોતજોતામાં તો માત્ર થોડા જ દિવસોમાં ચંદુલાલે પુરા એક લાખનો ફાળો ભેગો કરીને સરદાર વલ્લભભાઈને સોંપી દીધો હતો !

જરા વિચારો, એ જમાનાના એક લાખ એટલે આજના કોઈપણ સુપરસ્ટારની બ્લોકબસ્ટર ફિલ્મનો 100 કરોડનો આંકડો થયો ગણાય ! આવી જબરદસ્ત શાખ હતી આ જામનગરના ગુજરાતીની, મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં !

ચંદુલાલનો સ્વભાવ પહેલેથી જ સાહસિક વેપારીવૃત્તિથી ભરપૂર હતો. ૧૯૨૭માં ચંદુલાલે અભિનેત્રી ગોહરબાનુ, અભિનેતા સેન્ડો (એક્શન ફિલ્મોનો એ જમાનાનો દારાસિંહ) કેમેરામેન પાંડુરંગ નાયક અને ફાયનાન્સર જગદીશ પાસ્તા એમ પાંચ ભાગીદારોએ મળીને ‘જગદીશ ફિલ્મ કંપની’ શરૂ કરી. આખો વહીવટ ચંદુલાલની દેખરેખ હેઠળ ચાલતો હતો. 

અહીં પણ ચંદુલાલે પોતાની સેહવાગ જેવી ઝડપી ફટકાબાજી ચાલુ રાખી. માત્ર ત્રણ જ વરસમાં 10 ફિલ્મો બનાવી નાંખી ! 
એમાં ય ગોહરને ‘વિશ્વમોહિની’ સ્વરૂપે રજૂ કરતી ફિલ્મે તો એમને માલામાલ કરી દીધા. જોકે 1929માં આ પાર્ટનરશીપમાંથી ચંદુલાલ અને ગોહરબાનુ અલગ થઈ ગયા.

આ કદાચ સારા માટે જ થયું કેમકે એ પછી એમણે બન્નેએ મળીને જે ‘રણજીત ફિલ્મ સ્ટુડિયો’ કર્યો એના બેનર હેઠળ 130 જેટલી ફિલ્મો બનાવી એમાંથી 60 જેટલી તો બેક-ટુ-બેક (એક પછી એક) હિટ નીકળી.

અંગ્રેજીમાં એક શબ્દ છે ‘Prolific’. જેનો અર્થ થાય છે સતત કંઈ ને કંઈ સર્જન કર્યા કરનારા સ્વભાવવાળી વ્યક્તિ. ચંદુલાલ પણ એવા જ હતા… ‘પ્રોલિફીક’ ! રણજીત સ્ટુડિયોમાં 300 માણસોનો સ્ટાફ હતો. ત્રણ-ત્રણ શૂટિંગ ફ્લોર હતા અને એક સાથે છ-છ ફિલ્મોનું શૂટિંગ ચાલતું હતું ! ચંદુલાલનો એક જ જુનો અને જાણીતો નિયમ હતો : ‘ઓછા નફે બહોળો વેપાર !’

1931માં ‘આલમઆરા’ નામની બોલતી ફિલ્મ આવી પછી મુંગી ફિલ્મોના જમાનાના ભલભલા દિગ્ગજોની પડતી થવા લાગી પણ ચંદુલાલ શાહ તો ઉલ્ટાના વધારે ચગ્યા ! 1932 પછી સતી સાવિત્રી, સંત તુલસીદાસ, અછૂત, બન કી ચિડીયા, જ્વાલામુખી, બાજીગર, પૃથ્વીપુત્ર, દિલ કા ડાકુ, તૂફાન મેલ, કૃષ્ણ સુદામા વગેરે અનેક ફિલ્મોએ દેશભરમાંથી કરોડોની કમણી કરી નાંખી. 

ચંદુલાલ મહેબૂબ ખાન કે કે.આસિફની જેમ એકાદ મહાન ફિલ્મ બનાવવામાં વરસો વીતાવવામાં નહોતા માનતા. બીજી બાજુ ‘રણજીત’નું નામ સતત ગાજતું રહે રહે એ માટે અહીં મોટા મોટા સ્ટાર્સનો જમાવડો રહેતો. ગોહર, માધુરી, ખુરશીદ, ઈ.બિલીમોરીયા, કે એલ સાયગલ, મોતીલાલ… સૌ રણજીતના ‘પગારપત્રક’ ઉપર હતા ! ચંદુલાલે રણજીત સ્ટુડિયોની બહાર મોટું હોર્ડિંગ બનાવડાવેલું : ‘ધેર આર મોર સ્ટાર્સ ઇન રણજીત, ધેન ઇન હેવન !’

ડઝનબંધ વિદેશી કારોનો કાફલો જેના બંગલે પડ્યો રહેતો હતો એ ચંદુલાલને નાના માણસોની પણ એટલી જ પરવા હતી. એક વાર ચંદુલાલના ધ્યાનમાં આવ્યું કે સ્ટુડિયોના અમુક કર્મચારીઓ દારૂની લતમાં પગારના પૈસા ખર્ચી નાંખે છે એ કારણે એમના ઘરમાં હાલ્લાં કુશ્તી કરે છે ! એમણે આનો અનોખો રસ્તો કાઢ્યો. 

સ્ટુડિયોમાં જ સસ્તા અનાજ-કરિયાણાની દુકાન ચાલુ કરી દીધી અને કર્મચારીનાં કુટુંબોને એની જાણ કરી દીધી ! આથી કર્મચારીની પત્ની કે માતા સીધું જ કરિયાણું ચોપડે લખાવીને લઈ જવા લાગ્યાં. કર્મચારીનો મહિને પગાર થાય તો એ રકમ બાદ થઈને જ મળે !

ચંદુલાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ‘સરદાર’ અમસ્તા નહોતા કહેવાયા. 1939માં જ્યારે ભારતીય સિનેમાને 25 વરસ થયાં ત્યારે તેની ‘સિલ્વર જ્યુબિલી’ ઉજ્વવાનો વિચાર ચંદુલાલનો જ હતો. આખું આયોજન એમની આગેવાની હેઠળ થયું હતું. એટલું જ નહીં, 1951માં ભારતીય પ્રોડ્યુસરોનું સૌપ્રથમ સંગઠન ‘ઇન્ડિયન ફિલ્મ ફાઉન્ડેશન’ ચંદુલાલની આગેવાની હેઠળ થયું અને 1952માં હોલીવૂડમાં જે ડેલિગેશન ભારતથી હોલિવૂડમાં ગયું હતું તેની આગેવાની પણ ચંદુલાલ શાહે કરેલી.

છતાં કિસ્મતના ખેલ જુઓ… 1975માં એ મામુલી મુફલિસ માણસની જેમ સાવ ગુમનામ જિંદગી જીવીને મરણ પામ્યા. આવું શી રીતે થયું ? ચંદુલાલની કહાણીનું છેલ્લું પ્રકરણ આવતા સોમવારે.

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments

  1. તમારું ધન્યવાદ લેખ સારું છે. મેં આજે સારી માહિતી મેળવી લીધી.

    ReplyDelete
  2. Well done.,ખાંખાંખ઼ોળા સારા કર્યા છે.

    ReplyDelete

Post a Comment