બેસ્ટ ધંધો શિક્ષણનો છે !

12માનાં રીઝલ્ટો આવી ગયા પછી એડમિશનની સિઝન ખુલી છે. શિક્ષણ નામનો આ ધંધો કેટલો સહેલો અને સરસ છે એની કોઈને ખાસ ખબર જ નથી ! જુઓ…

*** 

ફી ભરી દેવાની 365 દિવસની, પણ એમાં વેકેશનો, શનિ-રવિ અને બીજી રજાઓ મળીને 180 દિવસ જ ભણવા મળે છે !
(તમે ગુટલી મારીને ભણવા ના જાઓ તોય પૈસા પાછા ના મળે.)

*** 

જે ગ્રાહક છે (એટલે કે વિદ્યાર્થી) એણે જ મહેનત કરવાની છે. એ જો મહેનત નહીં કરે તો પૈસા પણ ગયા અને ટાઇમ પણ ગયો !

*** 

ત્રણ-ચાર વરસના પાંચ લાખથી માંડીને 25 લાખ રૂપિયા ઘરાકે જ ભરવાના છે. બદલામાં મળે છે શું? એક સર્ટિફીકેટ !

*** 

અચ્છા, ગ્રાહક જે માલ ખરીદે છે એની ગેરંટી શું ? તમે ભણેલું તમે જ ભૂલી જાવ તો કંપનીની કોઈ જવાબદારી નથી !

*** 

પાંચ લાખથી 25 લાખના ઇન્વેસ્ટમેન્ટ પછી ‘રિટર્ન’ શું મળે છે ? બાર હજાર કે બાવીસ હજારની નોકરી !
(એની પણ કોઈ ગેરંટી કંપની આપતી નથી.)

*** 

અહીં સાયન્સનું ભણાવનારા સાયન્ટિસ્ટો નથી, કોમર્સનું ભણાવનારા વેપારીઓ નથી, એન્જિનિયરીંગનું ભણાવનારા ડીગ્રીધારી માસ્તરો જ છે, એન્જિનિયરો નથી અને બિઝનેસ મેનેજમેન્ટ ભણાવનારા બિઝનેસ મેનેજરો પણ નથી…
(પણ હા, કોલેજના માલિકો પાકા બિઝનેસમેનો ખરા !)

*** 

આટલી બધી પોલમપોલ હોવા છતાં કંપનીઓના એડમિશન ફોર્મમાં ઝીણા અક્ષરે પણ ક્યાંય આવી ‘શરતો લાગુ’ લખેલી હોતી નથી !
(છતાં એના પેમ્ફ્લેટને ‘પ્રોસ્પેક્ટ્સ’ કહે છે.)

*** 

અને આટલું બધું ગ્રાહક પોતે જ કરે છે પછી ગ્રાહક પોતે જ ગ્રેજ્યુએટ નામની ‘પ્રોડ્કટ’ બની જાય છે ! અને પ્રોડક્ટ ‘ફેઈલ’ થાય તો કંપનીની કોઈ જવાબદારી હોતી જ નથી ! બોલો, છે ને બેસ્ટ ધંધો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments