જે રીતે કમોસમી વરસાદ ગમે ત્યાં અને ગમે તેટલો વરસી જાય છે એ જ રીતે ક્યારેક મગજના અવળચંડા વિચારો પણ ગમે ત્યાં અને ગમે તે વિષય ઉપર ટપકી પડે છે ! જુઓ...
***
જાહેર સ્થળોએ ગોઠવેલા પથ્થરના ગરમાગરમ બાંકડા ઉફર જ્યારે તમે કોર્પોરેટર કે ધારાસભ્યનું નામ વાંચો છો…
…. ત્યારે એટલું જ વિચારજો કે એ વ્યક્તિની ખુરશી અત્યારે એસી કેબિનમાં છે !
***
ઓફિસની સિસ્ટમો પણ અજબ હોય છે…
જે બોસને ઠંડીગાર એસી કેબિનો મળી હોય છે તેનું દિમાગ હંમેશા ગરમ જ કેમ હોય છે ?
***
આવા ઉનાળામાં લગ્નનાં મહુરતો કોણે શોધ્યાં હશે ?
અહીં જમણવારમાં જે શિખંડ ઠંડો હોવો જોઈએ તે ગરમ નીકળે છે અને જે દાળ ગરમ હોવી જોઈએ તે સાલી, ઠંડી નીકળે છે !
***
તમે નહીં માનો, પણ તીખાં મરચાનાં ભજીયાંમાં યાદશક્તિ વધારવાનાં ગુણો હોય છે.
ખાતરી ના હોય તો આજે 500 ગ્રામ ખાઈ જોજો… કાલે સવારે જરૂર યાદ આવશે !
***
10મા ધોરણમાં માસ પ્રમોશન વડે પાસ થયેલા સ્ટુડન્ટોમાંથી 12 સાયન્સમાં લગભગ 35 ટકા જેટલા સ્ટુડન્ટો નાપાસ થયા !
- તો વિચારો, જે સ્ટુડન્ટો 12 સાયન્સમાં માસ પ્રમોશન વડે પાસ થયા હતા એ બધા આજકાલ શું ઉકાળી રહ્યાં હશે ?
***
ગર્લફ્રેન્ડો પોતાના દેખાવ અને સ્ટાઈલો પાછળ જેટલો ખર્ચ કરે છે, એટલો જ ખર્ચ જો બોયફ્રેન્ડો પોતાના દેખાવ અને સ્ટાઈલો પાછળ કરવા માંડે તો ?
- તો બિચારી ગર્લફ્રેન્ડો તો સાવ ગરીબ જ રહી જાય ને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment