'પઠાન'ની પોલમપોલ પાર્ટ (૩)

જે લોકો ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે એમને પૂછવું જોઈએ કે સાહેબો, એ હિસાબે ‘પઠાન’ ફિલ્મને તો રિલીઝ જ ના થવા દેવાય ! કેમકે આમાં જે રીતે ભારતની કહેવાતી ટોપ-મોસ્ટ સિક્રેટ સર્વિસ એજન્સી સતત જે રીતે મુરખાઈનું પ્રદર્શન કરે છે અને જે હદે ISIની એક ખુબસુરત એજન્ટના હાથે ઉલ્લુ બનતી રહે છે એ જોતાં તો એમ જ લાગે કે બોસ, ક્યાંક પાકિસ્તાનને પૈસે તો આ ફિલ્મ નથી બની ને ?

‘પઠાન’ની પોલમપોલનો આ ત્રીજો પાર્ટ છે પરંતુ આટલામાં બધું પતે એવું નથી. કેમકે ઝીણી ઝીણી પોલ ગણવા જઈએ તો મોટી ચાળણી બની શકે છે ! એટલે માત્ર મોટાં મોટાં ગરનાળાં જેવી પોલમપોલનું જ લિસ્ટ બનાવ્યું છે.

***

પોલમપોલ નંબર (13)

અગાઉ બબ્બે વખત ઇન્ડિયાના નોન-શેમ્પુ તથા નોન-અક્કલ એજન્ટ પઠાનને મામું બનાવી ચુકેલી ISI એજન્ટ દિપીકા શોધી લાવે છે કે વિલન જોન અબ્રાહમે છેક સાયબેરિયા (રશિયા)માં ક્યાંક બરફના પહાડો ઉપર જીવલેણ વાયરસ ‘રક્તબીજ’ બનાવવાની લેબોરેટરી ઊભી કરી લીધી છે. એ વખતે પઠાન (શાહરૂખ)થી વધુ અક્કલ ધરાવતો ઓફિસર કહે છે કે ‘એને બોમ્બથી ઉડાવી દઈએ ને !’ 

ત્યારે અક્કલનો એક્કો હોય એવો કોઈ બીજો માણસ કહે છે કે ‘ના, બોમ્બથી ઉડાવીશું તો હવામાં વાયરસ ફેલાશે અને ઉડતો ઉડતો ઇન્ડિયામાં આવશે !’

(જાણે વચમાં અફઘાનિસ્તાન, રશિયા, પાકિસ્તાન વગેરે આવતાં જ ના હોય !) પરંતુ પોલમપોલ એ નથી ! સુપર પોલમપોલ તો હજી હવે આવશે, નંબર (15) માં...

***

પોલમપોલ નંબર (14)

સાઇબેરિયાની લેબમાંથી વાયરસના બે સ્ટીલના ગોળા ચોરવા માટે ફરી એકવાર પઠાન ISIની સુંદરીનો જ સાથ લઈને જાય છે ! ત્યાં થનારી ધનાધની વચ્ચે એક ગોળો જોન અબ્રાહમ પાસે અને બીજો દિપીકાના હાથમાં આવી જાય છે. દિપીકા બાઈક લઈને થીજી ગયેલા બર્ફીલા તળાવ પર ભાગે છે. પઠાન અને જોન પણ તેની પાછળ છે. અચાનક બરફનું પડ તૂટે છે ત્યારે પાણીમાં ગરક થઈ ગયેલી દિપીકાને બચાવવા શાહરૂખ પણ અંદર ઝંપલાવે છે ! 

ચાલો, સમજ્યા, પણ ત્યાંથી એ બન્ને છેક ઇન્ડિયા શી રીતે પહોંચી ગયા ? શું બરફના તળાવ નીચેથી ડાયરેક્ટ ઇન્ડિયા સુધી જતી હોય એવી ટનલ ફીટ કરેલી છે ?

***

પોલમપોલ નંબર (15)

આ જ છે ‘સુપર પોલમપોલ’… અહીં જ્યારે પેલો વાયરસ ભરેલો સ્ટીલનો ગોળો લેબમાં ખોલે છે ત્યારે ખબર પડે છે હવાના સંપર્કમાં આવતાં જ અંદરનો વાયરસ સુપર એક્ટિવ થઈ ગયો છે ! મતલબ કે હવે જો આ વાયરસ – લેબની બહાર ફેલાશે તો આખેઆખા શહેરની પ્રજા ટપોટપ મરવા માંડશે !

મિત્રો, આનો મતલબ શું થયો ? કે રૂપાળી ISI એજન્ટે જ વાયરસ ઇન્ડિયામાં ઘૂસાડ્યો ને ? (છતાં આગળ જતાં એની ઉપર જ ભરોસો કરશે !) અને હવે આ બહાર નીકળી ગયેલા ખતરનાક વાયરસનો ઉપાય શું ? તો કહે છે કે ‘પુરી લેબ કો RDX સે ઉડા દો !’

અલ્યા અક્કલના ઓથમીરો ! જ્યારે સાઈબેરીયામાં બનેલી લેબને ઉડાડી દેવાની વાત હતી તો કહેતા હતા કે ‘હવા મેં ફૈલકર ઇન્ડિયા આ સકતા હૈ…’ તો હવે શું આ વાયરસ આખા શહેરમાં નહીં ફેલાય ? 

અને મુરખના સરદારો… તમને કયા સાયન્ટિસ્ટે કીધું છે કે RDX વડે લેબ ઉડાવી દેવાથી ખતરનાક વાયરસનાં તમામ જંતુઓ ખતમ થઈ શકે છે ?

***

પોલમપોલ નંબર (16 થી 100)

ટુંકમાં, જે ISI એજન્ટે બે વરસ પહેલાં ઇન્ડિયાના કહેવાતા સુપર (ડફોળ) એજન્ટને સેક્સ અપીલમાં ફસાવીને રશિયામાંથી ‘રક્તબીજ’ ચોરવા માટે લલચાવ્યો, એ જ એજન્ટે તેનું દોરડું કાપીને રશિયામાં મરવા માટે છોડી દીધો, એ જ એજન્ટે ફરીવાર સાયબેરિયાથી ઇન્ડિયામાં ખતરનાક વાયરસ લાવવા માટેનો આખો પેંતરો રચીને પઠાન સહિત આખા ઇન્ડિયાને મુરખ બનાવ્યા.... 

એ જ ISI એજન્ટને પઠાન અહીંની સુપર સુરક્ષા જોડે મારામારી કરીને છોડાવે છે ? એવો તે કેવો ISI પ્રેમ ? એવો તે કેવો પાકિસ્તાન પ્રેમ ?

અને પછી હેલિકોપ્ટર લઈને છેક સાઈબેરીયા પહોંચી જાય ? (જાણે ટાંકીમાં એટલું બધું પેટ્રોલ ભર્યું હોય !)

***

હજી આટલું ઓછું હોય તેમ જોન અબ્રાહમ વાયરસના ગોળાને દિલ્હીમાં ઉતરનારા વિમાનમાં ફીટ કરીને ડિટોનેટર વડે વાયરસ છૂટ્ટો મુકવાની ધમકી આપે છે ત્યારે ફરી એકવાર મિસાઇલ વડે વિમાનને ઉડાવી દેવાનો પ્લાન બને છે ! (અલ્યા ડફોળો ? આમાં તો વાયરસનાં જંતુઓનો છંટકાવ સીધો આકાશમાંથી થશે !)

છેલ્લે... ‘તારી તાકાત હોય તો ડિટોનેટર લઈને ડિફ્યુસ કરી બતાડ’ એવી ચેલેન્જ આપનારો વિલન ડિટોનેટરને ક્યાંક સંતાડી રાખવાને બદલે પોતાના ખભે ચોંટાડેલા વેલ્ક્રોમાં જ ભરાવી રાખે છે ! અને ડફોળ પઠાન ડાયરેક્ટ ડીટોનેટર ઉપર ઝાપટ મારવાને બદલે જોન અબ્રાહમના પેટ, છાતી.. હાથ, પગ, માથું એવા બીજા ડઝન ઠેકાણે અડધો કલાક લગી હુમલાઓ કરતો રહે છે !

***

અમને તો બોલીવૂડનો આ 'પાકિસ્તાન પ્રેમ' અને 'ISI પ્રેમ' કદી સમજાયો જ નથી. 'એક થા ટાઈગર'માં ભારતનો એજન્ટ સલમાન ખાન પાકિસ્તાનની ISI એજન્ટ કેટરિનાના પ્રેમમાં પડી જાય છે. 'ટાઈગર ઝિન્દાહૈ' માં તો એને પરણીને બેઠો છે ! 

બન્ને ભેગા મળીને પરાક્રમો શું કરે છે ? એકમાં પાકિસ્તાની પ્રેસિડેન્ટનો જીવ બચાવવા દોડી જાય છે અને બીજામાં સિરિયામાં ફસાયેલી ભારતીય નર્સોને છોડાવી લાવે છે. (જાણે ઓપરેશન ગંગા તો યુક્રેન અને સુદાનમાં કશું કામનું જ નહોતું !)

અરે, જે પાકિસ્તાની પ્રેસિડેન્ટે કોરોના મહામારી વખતે પોતાના જ નાગરિકોને ચીનમાંથી પાછા લાવવાનો ધરાર ઈનકાર કર્યો હતો તેના એજન્ટ સિરિયામાં શું કરવા દોઢ ડાહ્યા થવા માટે ધસી જાય?

આખેઆખી 'પઠાન' ફિલ્મ શરૂથી અંત સુધી માત્ર અને માત્ર ISIની રૂપાળી એજન્ટ ને ગ્લોરીફાય કરતી રહે છે. તો એને કયા હિસાબે ભારતીય સેન્સર બોર્ડ પાસ કરે છે ? 

એ તો ઠીક, આખેઆખું કોળું શાકમાં ગયું હોય એવડી મોટી પોલમપોલ આ દેશના મિડિયા અને કહેવાતા ફિલ્મ વિવેચકોને પણ ન દેખાય ? 

આવી ફિલ્મને બેન ના કરો તો કંઈ નહીં પણ કમ સે કમ આવા પાકિસ્તાની પ્રેમી એજન્ટોને તો બેન કરો?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments