'મેઈડ ઈન કિરાણા-સ્ટોર' કહેવતો !

ગુજરાતીઓ વેપારી પ્રજા છે. આપણી કહેવતો અને આપણા રૂઢિપ્રયોગોમાં રૂપિયા-આના-પાઈની વાત ના આવે તો જ નવાઈ ! પણ જુઓને, જુની પેઢીના ગુજરાતીઓને પોતાની જ ભાષાની વેલ્યુ નહોતી. એ જમાનામાં કહેવાતું હતું કે, ‘ઇકડમ તિકડમ આઠ આના, અટે-કટે તો ચાર આના, ગુજરાતીના કેવા ભાવ, શું-શાં પૈસા ચાર !’

(અર્થાત્ મરાઠીની વેલ્યુ બાર આના, મારવાડીની વેલ્યુ ચાર આના અને બિચારા ગુજરાતીના ચાર પૈસા પણ નહીં ? ઘોર અન્યાય !)

જુના જમાનાનું છોડો, આજે તો યંગસ્ટરો રોમાન્સ અને લવમાં પણ બિઝનેસની ભાષા બોલે છે ! 

છોકરાઓ ક્લાસની અમુક છોકરી વિશે કહેશે ‘એ તો બહુ ભાવ ખાય છે !’ છોકરીઓ પણ કહેશે ‘હું તો એને ભાવ જ નથી આપતી !’ વળતા હૂમલા તરીકે છોકરો કહેશે ‘એ મારી સામું ના જુએ એમાં મારા કેટલા ટકા ?’ (અલ્યા, તમે લોકો લવ કરો છો કે ધંધો ?)

આપણે પણ વાત વાતમાં કહેતા હોઈએ છીએ : ‘નવ્વાણુ ટકા તો તમારું કામ સો ટકા પતી જશે !’ અથવા ‘મને તો એકસો ને એક ટકા ખાતરી છે…’ આ તો વેપારી ભાષા જ થઈને ? પણ જુઓ, ખેડૂતોમાં પણ બિઝનેસ લેંગ્વેજ ચાલે છે. ‘આ વખતે સોળ આની પાક ઉતરે એવું લાગતું નથી.’ 

એ તો ઠીક, અક્કલના બારદાન જેવા માણસ માટે કહીએ છીએ ‘એ તો રૂપિયો જ ખોટો છે !’ અમદાવાદીઓ તો મહા ગણતરીબાજ છે. એમના વિશે કહેવાય છે કે ‘એ તો રૂપિયાના ત્રણ અડધા શોધે એવા છે !’ (બાય ધ વે, રૂપિયાના બે જ અડધા હોય, પરંતુ અમદાવાદીઓ એમાંથી ત્રીજો અડધો શોધી કાઢવાની કળા જાણે છે !)

બુદ્ધિનો આંક પણ બિઝનેસની ભાષામાં મપાય છે. ‘એની પાવલી જરા ખસેલી છે’ ‘બે કોડીની યે અક્કલ નથી’ ‘લાખના બાર હજાર કરે એવો છે.’ બિઝનેસની ભાષા બુદ્ધિમાં હોય તો એ હજી સમજ્યા પણ ધાર્મિક બાબતોમાં પણ ગુજરાતીઓ ધંધાની ભાષા વાપરે છે ! અહીં ‘પાપ-પૂણ્યના ચોપડા’ છે. ‘ગયા જનમની લેણા-દેણી’ છે, ખુદ ચિત્રગુપ્તજી ‘ચોપડો’ લઈને બેઠા છે અને ધરતી ઉપર જે ધાર્મિક વિધિઓ થાય છે તેને ‘ધર્મલાભ’ કહે છે. દરેક મંદિરની બહાર તો દુકાનો જ હોય છે પણ દુકાનદારો ય આપણને કહેશે ‘જલ્દી જલ્દી દર્શનનો લાભ લઈ લો !’

અરે ભાઈ, જ્યાં દરેક ઘરની બહાર આપણે ‘શુભ-લાભ’ના સ્ટિકરો મારીએ છીએ તો પછી ભાષામાં વેપારીપણું આવે જ ને ? ‘ભૂલચૂક લેવીદેવી’ એવું આપણે માત્ર પૈસાના હિસાબ માટે નહીં, પણ વહેવારમાં ય કહીએ છીએ. લાગણીના સંબંધો જોડાયેલા હોય તો કહીએ છીએ કે 'ગયા જનમની લેણા-દેણી હશે' અને સંબંધો તૂટે તો કહીએ છીએ ‘મારે ને તારે શું લેવા-દેવા?’ 

અરે, યંગસ્ટરો પણ બ્રેક-અપ પછી કહે છે ‘ટોપા, શું લેવા પ્રેમમાં પડ્યો હતો ?’ ‘પેલી જોડે લવ કરીને તને શું મળ્યું ?’ નોકરીમાં પગાર ઓછો મળતો હોય તો બળાપો કાઢીએ છીએ કે ‘મળવાનું ગાજર, ને રહેવાનું હાજર !’

આપણે ગુજરાતીઓ પૈસાનું મહત્ત્વ સમજીએ છીએ એટલે જ આપણે ત્યાં કહેવત છે કે ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ !’ જે નાથિયાઓ નાથાલાલ બનીને ફરે છે એમના માટે કહેવાય છે કે ‘એમને તો ચાંદી જ ચાંદી છે !’ અને મારા-તમારા જેવા નાથુભાઈઓ મહેનત કરીને તૂટી જવા છતાં ‘બે પૈસે’ ના થાય તો સોનાના વેપારીની ભાષામાં કહીશું કે ‘ઘાટ કરતાં ઘડામણ મોંઘું પડ્યું !’

ધંધાની ભાષા જ્યાં જુઓ ત્યાં મળશે. મોદી સાહેબે બે હજારની નોટ બંધ કરી તો કહેશે 'જુઓ, પબ્લિકને ધંધે લગાડી દીધી !' માણસોના સ્વભાવ 'ઉધાર' હોય છે. માણસ મરી જાય તો 'ખોટ પડે છે'. ફિલ્મનું સારું સંગીત તેનું 'જમા પાસું' હોય છે. નકામા સંબંધોની 'બાદબાકી' થાય તો 'સરવાળે' જિંદગી સુખી રહે છે. 

વિવેકી માણસ હંમેશા 'નમતું જોખે છે' અને હલકટ માણસ 'છાપેલા કાટલાં જેવો' હોય છે. અમુક લોકો એટલા મોટાં ગપ્પાં મારતાં હોય છે કે એમની વાતોમાંથી 'ડિસ્કાઉન્ટ કાપીને' જ આગળ વધવું જોઈએ. ઘરમાં સંતાન ન હોય તો 'શેર માટીની ખોટ' કહેવાય છે. એકતા ન સાધી શકતા વિરોધ પક્ષો 'દેડકાની પાંચશેરી' ગણાય છે. પોતાનાં વખાણ સાંભળીને 'સવા શેર લોહી' ચઢે છે. અને ગાળો દેવા માટે 'મણ મણની જોખાવવામાં' આવે છે.

વરસના અંતે છાપાંની પૂર્તિમાં 'લેખાં-જોખાં' છપાય છે. અરે, ખુદ નરસિંહ મહેતાએ વેપારી ભાષામાં ગાયું છે ' મારી હુંડી સ્વીકારો મહારાજ..' એ જ રીતે કોઈ નવા ભજનિકે લખ્યું છે 'જીવરામ ખાતું ખોલાવ, રામનામ બેન્કમાં !' જુની કહેવત તો યાદ જ હશે કે ' વાણિયાનું વ્યાજ અને કન્યાની ઉંમર ક્યારે વધી જાય તેની ખબર ના પડે !'

પોષાવું કે ના પોષાવું એ તો આપણી ડેઇલી જિંદગીમાં આવી ગયુ છે. ‘તું મને રાહ જોવડાવે એ મને ના પોષાય !’ (જાણે આપણી એક એક સેકન્ડ લાખ રૂપિયાની હોય) અરે ભઈ, સીધા સાદા ભલા માણસને પણ આપણે ‘લાખ રૂપિયાનું માણસ’ કહીએ જ છીએ ને ? દાદાજીને ‘મૂડી કરતાં વ્યાજ વહાલું’ હોય છે, અર્થાત્ દિકરા કરતાં પૌત્ર વહાલો હોય છે. (જાણે વ્યાજ ખાવા માટે જ દિકરાને પરણાવ્યો હોય !)

આપણે લોકો હિસાબ ન કરવાની જગ્યાએ પણ હિસાબ કરતાં હોઈએ છીએ. જેમકે ‘મારા હિસાબે તો યુક્રેનનું યુદ્ધ હજી બે વરસ ચાલશે !’ અલ્યા, તેં શેનો હિસાબ કર્યો ? યુક્રેન પાસે કેટલા મિસાઈલો બચ્યા છે તેનો, કે પુતિનનું કહેવાતું કેન્સર કેટલા વરસમાં ‘પાકી જશે’ તેનો ! અમુક લોકોના પગાર માંડ પંદર હજારના હોય છતાં રોફથી કહેતા હશે ‘જુઓ ભઈ, બક્ષિસ લાખની પણ હિસાબ કોડીનો !’

કરિયાણાની દુકાન તો આપણી ભાષામાંથી કદી માઈનસ થવાની જ નથી. જુઓ ‘ફેરવી તોળ્યું…’ ‘વજન પડ્યું..’ ‘પરચૂરણ વાતો..’ ‘રોકડું પરખાવ્યું...’ 'નોટ છે..' 'ખણખણતી બોલી..' 'બાંધી મુઠ્ઠી લાખની..' 'ડઝનના ભાવે મળે છે..' આવા બીજા બે ડઝન રૂઢિપ્રયોગો યાદ આવશે પણ બેસ્ટ તો આ જ રહેશે : ‘ના ફાવે તો તેલ લેવા જા !’

***

- મન્નુ શેખચલ્લી

 E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment