કર્ણાટકનાં ઇલેક્શનમાં...

મે મહિનાની 10 તારીખે કર્ણાટકમાં ચૂંટણીઓ થઈ ગઈ. 13 તારીખે એનું પરિણામ પણ આવી જશે. પરંતુ જોવાની વિચિત્ર વાત એ છે કે બિચારા મતદારને શું જોઈએ છે એની તો કોઈને પડી જ નથી ! જુઓ આ સિનારિયો...

*** 

પક્ષ (1) કહે છે : ‘અમે હિજાબ ઉપર પ્રતિબંધ નહીં મુકવા દઈએ !’
પક્ષ (2) કહે છે : ‘અમે બજરંગદળ ઉપર પ્રતિબંધ નહીં મુકવા દઈએ !’
મતદાર કહે છે : ‘મને પ્રતિબંધ નહીં, મારા ધંધા રોજગારમાં છૂટ જોઈએ છે..’

*** 

પક્ષ (1) : ‘સામેનો પક્ષ સત્તામાં આવશે તો રાજ્યમાં રમખાણો થશે !’
પક્ષ (2) : ‘સામેનો પક્ષ સત્તામાં હતો ત્યારે ઓલરેડી રમખાણો જ થયાં છે !’
મતદાર : ‘યાર… તમે બન્ને ચૂપ મરશો ? મારે શાંતિ જોઈએ છે, શાંતિ !’

*** 

પક્ષ (1) : ‘અમે ગરીબોને મફત દાળભાત ખવડાવીશું, ગરીબોને રૂપિયાથી મદદ કરીશું… ગરીબોને રાહત આપીશું…’
પક્ષ (2) : ‘અમે રેવડીમાં નથી માનતા, છતાં ગરીબો માટે અનેક સ્કીમો ચાલે છે, હજી વધુ સ્કીમો લાવવામાં આવશે…’
મતદાર : ‘હું મધ્યમવર્ગનો છું… કોઈ મારા માટે પણ કંઈ વિચારશે ?’

*** 

પક્ષ (1) : ‘એક જ પરિવારે આખા દેશને બરબાદ કર્યો છે.’
પક્ષ (2) : ‘સંઘ પરિવાર આખા દેશને બરબાદ કરી રહ્યો છે.’
મતદાર : ‘કોઇને મારા નાનકડા પરિવારની ચિંતા છે ખરી ?’

*** 

પક્ષ (1) : ‘અમારી લડત ભ્રષ્ટાચાર સામે છે. અમે કોઈ ભ્રષ્ટાચારીને છોડીશું નહીં.’
પક્ષ (2) : ‘ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરનારા જ 40 ટકા કમિશન ખાય છે.’
મતદાર : (કંટાળીને) ‘ઓકે… મારો એક મત તમને આપવા માટે તમે મને કેટલા રૂપિયા આપશો ? પતાવો યાર… મારે બીજા ઘણાં કામ છે.’

***

- મન્નુ શેખચલ્લી

Comments