સાહેબની ડાયરીનાં છૂટક પાનાં...

અમારા હાથમાં એક ડાયરીના છૂટા-છવાયાં પાના આવી ગયાં છે. ખબર નહીં કોની ડાયરી છે, પણ એમાં લખેલું લખાણ બહુ રસ પડે તેવું છે….

*** 

2014
હાશ ! જીતી ગયા ! વટ પડી ગયો ! હવે થોડું વિમાન ભ્રમણ કરી લઉં… પછી બધાને લબડધક્કે લઈને ધંધે લગાડવાનું શરૂ કરું…

*** 

2016
(બગાસું) કંટાળો આવી રહ્યો છે… શું કરું ? આઇડિયા ! નોટબંધી જાહેર કરી દઉં ! બધા દોડતા થઈ જશે ! લાઈનો લાગશે ! અફરા તફરી મચી જશે… બધા મુદ્દા ભૂલાઈ જશે… બસ લોકો નોટોની પાછળ જ ધંધે લાગેલા રહેશે !

*** 

2018
વધું બે વરસ થઈ ગયાં… ફરી કંટાળો આવી રહ્યો છે. શું કરું ?
આઇડિયા ! GST ઠોકી દઉં ! મોટા મોટા ઉદ્યોગપતિઓથી માંડી નાના નાના વેપારીઓ ધંધે લાગી જશે ! નોટબંધીની જેમ જ રોજ નવા નવા નિયમો અને નવા નવા સુધારા બહાર પડશે… ફરી બીજા બધા મુદ્દા ભૂલાઈ જશે ! સૌ ધંધે લાગી જશે…

*** 

2020
(બગાસું) સોરી, બગાસું આવવાની તૈયારી જ હતી ! બે વરસ થઈ ગયાં ને ? પણ આ કોરોના આવી ગયો ! વાહ !
ચાલો, સૌ ધંધે લાગી જાવ… થાળીયો વગાડો, ફુલો વરસાવો, વિડીયો બનાવો, શ્રમિકોને દોડાવો, પબ્લિકને ડંડા મારો, બધાને માસ્ક પહેરાવો, માસ્ક વિના હોય એને દંડ અને ડંડા બન્ને ફટકારો…

*** 
2021
ઓહો ! કોરોના ફરી આવ્યો ! ચાલો ફરી સૌ ધંધે લાગો.. રેમડેસિવર માટે દોડો… ઓક્સિજન માટે દોડો… એમ્બ્યુલન્સની લાઈનો લગાડો… વેક્સિનના ડોઝ આપી આપીને મારા ફોટા વહેંચો…

*** 
2023
(બગાસુ) વધુ બે વરસ થઈ ગયાં… કંટાળો આવે છે… શું કરું ? બે હજારની નોટોનું કંઈ… ? જે ટાઇમપાસ થયો તે ! ચાલો…

***

- મન્નુ શેખચલ્લી

Comments