આપણે જ્યારે નાના હતા ત્યારે સાઈકલો માત્ર મોટાઓ માટે જ બનતી હતી.
સાઈકલો બે સાઇઝમાં અને એક જ કલરમાં આવતી હતી. કલર કાળો રહેતો હતો અને સાઇઝ 24’ અને 26’.
આમાં 24’ની સાઇઝનો ડંડો આપણા ખભાથી ઉપર આવતો હતો. સાઈકલ શીખવાની કાબેલિયત ત્યારે જ શરૂ થતી હતી જ્યારે આપણો ખભો ડંડા સુધી પહોંચે. ત્યાં સુધી માત્ર સાઈકલની ઘંટડી વગાડવાની છૂટ મળતી હતી.
સાઈકલ ચલાવવાની સૌથી પહેલી નેટ-પ્રેક્ટિસ બાલમંદિર ના પહેલા દિવસ જેવી રહેતી હતી. જેમાં સાઈકલને સ્ટેન્ડ ઉપર ચડાવેલી રાખીને હાથ વડે પેડલ ઘુમાવી, પૈડું ગોળગોળ ફરતું જોવાનું થ્રિલ મેળવવાની છૂટ મળતી હતી.
સાઈકલ શીખવાના એ બાલમંદિરમાંથી પહેલા ધોરણમાં ઘૂસવા માટે સાઈકલને સરસ રીતે પાણી વડે ધોઈ આપવાની લાંચ આપવી પડતી હતી.
સાઈકલમાં પંપ વડે હવા ભરાતી હોય ત્યારે ટાયરનું પ્રેશર બરાબર થયું કે નહીં તે ચેક કરવાની કળા માત્ર મોટાભાઈ અથવા બાપુજીને જ હસ્તગત હતી.
સાઇકલ ઘરમાં ન હોય તો ભાડેથી લાવવી પડતી હતી. આપણા જેવા શીખાઉ સાયકલિસ્ટને પહેલી વાર 25 પૈસામાં કલાકને ભાવે સાઈકલ લાવવાની પરવાનગી મળતી ત્યારે આપણે બે હાથ વડે સ્ટિયરીંગ ઝાલીને એટલા ઉત્સાહથી સાથે સાથે દોડતા હતા કે જાણે કોઈ મોટા મહેલનો જાતવાન ઘોડો ખરીદીને દોડાવી રહ્યા હોઈએ !
પણ સાઇકલને ક્યાં સુધી આમ દોડાવ્યા કરવાની ? સાઈકલ ચલાવતાં શીખવાની પહેલી સ્ટાઈલ હતી – ‘કેંચી કટ’ !
સાઈકલના ત્રિકોણાકાર પાઈપો વચ્ચેથી એક ટાંગ પેલી તરફ અને એક પગ આ તરફ રાખવાનો, પછી બન્ને પેડલો ઉપર જોર કરીને, માંડ માંડ સ્ટિયરીંગની ઉપર માથું પહોંચી શકે એવી ખતરનાક જિમ્નેસ્ટિક પોઝિશનમાં સાઇકલ ચલાવવાની કળા હસ્તગત કરતાં કરતાં મિનિમમ દસ વાર ઘુંટણ સહિત જમીન પર ધ્વસ્ત-ગત થવું પડતું હતું.
છતાં આવા વખતે ‘વ્હુર્રર્રર્રમ્મ્મ્’ એવો અવાજ કરીને જાણે મોટર સાઇકલ ચલાવતા હોઈએ એવો રાજવી ઠાઠ ભોગવવાની મજા કંઈ ઓર હતી !
- અને સાઇકલ પુરેપુરી શીખી લીધા પછી એક જ સપનું રહેતું હતું…
પાછળના સ્ટેન્ડને બદલે આગળના ડંડા ઉપર કોઈ છોકરીને બેસાડીને આપણે કોઈ ફિલ્મી ગાયન ગાતા હોઈએ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment