અમુક સમાચારો એવા હોય છે કે વાંચતા તો વાંચી લઈએ છીએ પછી ધીમે રહીને ટ્યૂબલાઈટ થાય... કે.. હેં ?
વાંચો એવા નમૂના...
***
સરકારી ઓફિસમાં અચાનક પડેલા દરોડા દરમ્યાન 30 કર્મચારીઓ કામ કરતાં ઝડપાયા !
***
કરદાતાઓ ધ્યાન આપે… એડવાન્સ ટેક્સ ભરવાની લિમિટ બે વરસથી વધારે મોડી કરી શકાશે નહીં.
***
કરદાતાઓ હવે એડવાન્સમાં લેટ-ફી ભરી શકશે.
***
કેબિનેટ મંત્રીઓની ઇમરજન્સી બેઠક હવે બે મહિના બાદ મળશે.
***
ન્યાય આપવામાં આટલો બધો વિલંબ શા કારણે થાય છે તેનો ખુલાસો માગતી PILનો કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવાશે નહીં.
***
જાણીતા નેતાએ જણાવ્યું હતું કે જો મારી ઉપર લગાવાયેલા આરોપો કોર્ટમાં સાચા સાબિત થશે તો હું સજા ભોગવવા તૈયાર છું.
***
જાણીતી અભિનેત્રીએ પોતાની અંગત પળોના ફોટા સોશિયલ મિડીયામાં અપ-લોડ કર્યા પછી લોકોએ જે સખત ટીકાઓ કરી હતી તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે ‘માય પર્સનલ લાઇફ ઇઝ નન ઓફ યોર બિઝનેસ !’
***
12 હત્યા અને 4 બળાત્કારના આરોપી તથા જાણીતા ગેંગસ્ટર ફલાણાએ જેલમાં જતાં પહેલાં જણાવ્યું હતું કે દેશમાં માનવ અધિકાર જેવું કશું રહ્યું જ નથી. કાનૂન માત્ર ગુનેગારોને જ હેરાન કરવા માટે બનાવાયા છે.
***
ફ્રીડમ ઓફ પ્રેસ બાબતે સરકારી પ્રવક્તાએ રાબેતા મુજબનો જવાબ આપતાં કહ્યું હતું કે એ બાબત વિચારણા હેઠળ છે અને યોગ્ય સમયે તેનો નિર્ણય લેવામાં આવશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment