કર્ણાટકનાં નવાં ગુજરાતી નાટકો !

કર્ણાટકનું નામ જ ‘કર-નાટક’ છે ! ત્યાં હમણાં જે ચૂંટણી ગઈ પછી અમુક ગુજરાતી નાટકોનાં રિ-મેક બનાવવા જેવાં છે ! જુઓ, નામો જ કેટલાં જોરદાર છે…

*** 

લાગણીની લાઈફલાઈન

આ આખું ધાર્મિક નાટક છે. આમાં જ્યારે રાજકીય-પક્ષો બાજી હારવાની અણી પર આવી જાય છે, ત્યારે કેવી કેવી ધાર્મિક લાગણીઓને લાઇફલાઈન તરીકે અજમાવે છે તેની થ્રિલીંગ સ્ટોરી છે !

*** 

હત્તેરેકી… હાથમાંથી ગઈ

આ કોમેડી નહીં પણ ટ્રેજેડી નાટક છે. આમાં હીરોઈન ખુરશી છે અને સેંકડોની સંખ્યામાં ઊભેલા ઉમેદવારો છે જેઓ ફાંકામાં એમ માનતા હતા હિરોઈન તો હાથવેંતમાં છે !

*** 

અંગત અંગત નામ હતાં

આ પણ ટ્રેજેડી નાટક છે. આમાં એવા અપક્ષ ઉમેદવારોની કરુણ કહાણી છે જેનાં અંગત સગાંવ્હાલાંઓ પણ એમને વોટ આપવાના વચનમાંથી ફરી ગયા હતા !

*** 

કાળનક્ષત્ર

આ આખી ઇન્વેસ્ટીગેશન ટાઇપની થ્રિલીંગ સ્ટોરીવાળું નાટક છે ! આમાં આઘાતજનક રીતે હારી ગયેલી પાર્ટીઓ અને નેતાઓ હારનાં કારણોનું ઇન્વેસ્ટીગેશન કરે છે… અને છેલ્લે સસ્પેન્સ ખુલે છે કે ચૂંટણીની તારીખે નક્ષત્રો જ કાળ ચોઘડિયામાં હતાં !

*** 

તમે આવ્યા ને અમે ફાવ્યા

આ સંજોગોના ખેલનું નાટક છે. એક ભાઈ ચાલતા ચાલતા કર્ણાટકમાંથી પસાર થયા અને બીજા વડીલ એક પાર્ટીના નવા પ્રમુખ બન્યા… બન્નેના ચાહકો માને છે કે ‘તમે આવ્યા, ને અમે ફાવ્યા ’ !

*** 

સાચાબોલા જુઠાલાલ

આ સસ્પેન્સ નાટક છે ! સસ્પેન્સ એ છે કે આ એક જ માણસ છે ? કે બે જણાંની ટીમ છે ?

*** 

આ સિવાય બે ફેમસ ગુજરાતી નાટકોનાં તો નામ જ એવાં છે કે સ્ટોરી તમને સમજાઈ જ જશે…

(1) આ નમો બહુ નડે છે
(2) ….ને બચુ બચી ગયો !

***

- મન્નુ શેખચલ્લી

Comments