મેરેજની આત્મનિર્ભર ટીમો !

આજકાલના મેરેજોમાં ભલે કેટરિંગવાળા, ડીજેવાળા, વિડીયોવાળા કે પાર્લરવાળીઓ બહારથી આવે પણ અમુક કામ એવાં છે જે લગ્નવાળી પાર્ટીઓમાં ઓલરેડી ‘આત્મનિર્ભર’ હોય છે ! જેમકે..

***
આત્મનિર્ભર ટ્રાફિક કંટ્રોલવાળા

શહેરની સડકો ઉપર ફૂલ ટ્રાફિકમાં જ્યારે વરઘોડો પોણા ભાગનો રસ્તો રોકીને ગોકળઆખલાની ગતિએ આગળ વધી રહ્યો હોય ત્યારે પોતાના જાનૈયાઓને સાઇડમાં દબાવવાને બદલે અન્ય વાહનોને સતત દબાવતાં જઈને ‘ચલોઓ... જવાદો.. જવા...દોઓ...’ કરીને જે યુવકમંડળ નાગરિક-હક્કનો રૂઆબ છાંટતાં છાંટતાં ટ્રાફિકની ‘સેવા’ કરવાનો દેખાવ કરે છે તે સૌથી આખી ઇવેન્ટની પાવરફૂલ આત્મનિર્ભર ટીમ હોય છે.

***

આત્મનિર્ભર સંગીતસંધ્યા કુરિયોગ્રાફરો

છોકરા છોકરીના ભાઈબંધો અને બહેનપણીઓ સંગીતસંધ્યામાં કયાં ગાયનો ઉપર કેવો ડાન્સ કરવાનાં છે એ તો કુદરતી આત્મનિર્ભરતા છે. પણ વરરાજાની ભાભીઓ, વરકન્યાના કાકા – મામા-માસા-માસીઓ, બંને પક્ષના વેવાઈ-વેવાણો.. આ બધાંઓ, જેમનાં શરીરનાં સાંધાઓ ઓઇલિંગ માગતા થઈ ગયા છે, જેમની બોડીઓ ઉપર ચરબીઓના વાટા ચડી ચૂક્યા છે અને જેમને ડાન્સના ‘ડ’થી યે ડર લાગે છે એમને પાનો ચડાવીને, ધમકાવીને, ફોસલાવી તૈયાર કર્યા પછી કોણ તેઓ કયા ગાયનનાં કયાં સ્ટેપો શીખશે અને રિહર્સલોમાં આવવા માટે આનાકાની કરે તો ‘જિજ્જુ તમે પ્રેક્ટિસમાં નહીં આવો તો હું લગનમાં જ નહીં આવું’ ત્યાં સુધીની ધમકી આપી શકે એવી નખરાંબાજ સાળીઓને ચાકી ચડાવી આપનારી આખી જે ગેંગ હોય છે તેમની આત્મનિર્ભરતા તો મોદીસાહેબના પ્રધાનમંડળ કરતાંય સવાઈ હોય છે !

***

આત્મનિર્ભર ઇવેન્ટ મેનેજર્સ

‘સાંભળી લો ભઈ, હલ્દીની ઈવેન્ટ વખતે બધાનો ડ્રેસકોડ યલ્લો જ રહેશે. જે કોઈ યલ્લો પહેરીને નહીં આવે એનું બોયકોટ કરવામાં આવશે.’ આવી ધમકીઓ-કમ-સૂચનાઓ આપનારી ઉત્સાહી યંગ ઇવેન્ટ મેનેજરોની આત્મનિર્ભર ટીમ દરેક ફેમિલીમાં હોય જ છે. આ જ  ટોળકી નક્કી કરે છે કે પોતાના સાસરે જઈને ગરબો કરવા જઈ રહેલી દુલ્હનની ‘એન્ટ્રી’ ત્યાં શી રીતે પડશે અને તે વખતનાં ગરબા-કમ-ગાયનોની સિકવન્સ શું હશે ! એ જ રીતે મંડપમાં વરરાજાની એન્ટ્રી પડે ત્યારે ‘અઝીમો-શા-શહેનશાહ’ની ધૂન ઉપર આતશબાજી સળંગ કેટલી મિનિટો ચાલશે અને કેટલા કલાક સુધી મહેમાનોના કાનમાં એની ધાક પડી ગઈ હશે !

***

આત્મનિર્ભર સોશિયલ મિડીયા પ્રમોટર્સ

હવે તો દરેક લગ્ન એક બ્લોકબસ્ટર ફિલ્મથી કમ નથી ! એનાં ટિઝરો બનાવવાં પડે છે, પ્રોમો બનાવવા પડે છે, જાણે પ્રિમિયર શો થવાનો હોય તેમ એનાં રીલ્સ બનાવવાં પડે છે... એટલું જ નહીં, કાઉન્ટ ડાઉન શરૂ થઈ જાય છે : ‘નાઇન ડેયઝ્‌ ટુ ગો... એઇટ નાઈટ્સ ટુ ગો...’ મૂરતિયો એની દાઢી સેટ કરાવવા ગયો હોય તો એનો ફોટો સ્ટેટસમાં મુકવામાં આવે, દુલ્હન ઓન્લી-ગર્લ્સ-નાઈટ આઉટમાં જઈને રાત્રે ત્રણ-ત્રણ વાગે ઇન્સ્ટામાં પિક્સ અને સ્ટોરી પોસ્ટ કરે અને ‘લાસ્ટ બેચલર્સ પાર્ટી’ની તો થિમ હોય કે ‘ધ બકરા-નાઈટ બિફોર કતલ’... આવાં અનેક ગતકડાં સ્વયંભુ રીતે તેમજ પ્રિ-પ્લાન્ડ મેથડથી કરી આપનારી આખી આત્મનિર્ભર સોશિયલ મિડીયા ટીમ હોય છે !

***

આત્મનિર્ભર પ્રિ-વેડીંગ ડિરેક્શન ટીમ

પ્રિ-વેડિંગ વિડીયો ઉતારી આપનારો વિડીયોગ્રાફર કઈ જાતે કન્યાની કમરમાં હાથ ખોસીને DDLJને પોઝ થોડો શીખવાડી શકવાનો હતો ? એટલે જ, વર તથા કન્યાને રોમેન્ટિક ગાયનોનું સિલેક્શન કરી આપવાથી માંડીને એના શૂટિંગનું લોકેશન, એ વખતે પહેરવાનાં કપડાં, મારવાની સ્ટાઈલો અને પોઝની અદાઓ વગેરેનું ‘ડિરેક્શન’ કરી આપનારી એક આત્મનિર્ભર ટીમ હોય છે. જેમાં છોકરાના ભાઈબંધો અને છોકરીની બહેનપણીઓ જો એકબીજાની ‘રીલેશનશીપ’માં ચાલુ હોય તો રિઝલ્ટો ઓસ્સમ આવે છે ! લખી રાખજો.

***

આત્મનિર્ભર બેઠક-વ્યવસ્થાપકો

બેઠક વ્યવસ્થા એટલે મંડપમાં વડીલોં ક્યાં બેસશે અને લાઇવ ગાવાવાળા ક્યાં બેસશે એની વાત નથી ! આ તો હોલ અથવા પાર્ટીપ્લોટના કોઈ નાનકડા ખૂણામાં જ્યાં ‘બાટલી પરિષદ’ ગોઠવાતી હોય તેની બેઠક વ્યવસ્થા કરનારી આત્મનિર્ભર ટીમોની વાત છે. પછી, એ વાત અલગ છે કે બેઠકનું કામ પતી ગયા પછી એમની પોતાની બેઠકો હાલકડોલક અવસ્થામાં હોય છે !

***

ઉગતી પેઢીના આત્મનિર્ભર રક્ષકો

અહીં એ બિચારાઓની વાત થાય છે જેમણે છ મહિનાથી માંડીને છ વરસ સુધીનાં બાબલા બેબલીની ઉગતી પેઢીને આખા પ્રસંગ દરમ્યાન સાચવી રાખવાની હોય છે ! જેથી એમની મમ્મીઓ સરસ મઝાનાં કપડાં પહેરીને આખા લગ્નપ્રસંગમાં બિન્દાસ બનીને મહાલી શકે ! આ બાળ-સાચવણી સેવકો મોટેભાગે નવા નવા પપ્પા બનેલા પતિઓ હોય છે. એમની દયા ખાઓ, પ્લીઝ !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments