અમુક સમાચારો એટલા મજેદાર હોય છે કે એમાં છબછબિયાં કરવાનું મન થઈ જતું હોય છે ! દાખલા તરીકે…
***
રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં છગ્ગો અને ચોગ્ગો મારીને ગુજરાત ટાઇટન્સને હરાવી દીધું.
- અમે તો પહેલેથી જ કહેતા હતા કે કોઈ ગુજરાતી જ ગુજરાતની ટીમને હરાવી શકશે !
***
અમદાવાદમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા.
અમુક અમદાવાદીઓ માને છે કે આમાં ચિટીંગ થઈ ગયું છે. જો આકાશમાંથી આટલો બરફ પડ્યો… તો એની સાથેનો દારૂ ક્યાં ગયો ?
***
અમદાવાદમાં રમાયેલી IPLની ફાઈનલમાં રવિવારે વરસાદ પડ્યો, સોમવારે ફરી વરસાદ પડ્યો, આખરે રાત્રે દોઢ વાગે મેચ પુરી થઈ.
અમદાવાદીઓ આનો હિસાબ પોતપોતાની રીતે કાઢી રહ્યા છે.
- અમુક લોકો માને છે કે એક મેચ ઉપર બીજી મેચ ફ્રી હતી ! અને ફ્રીવાળી મેચ રવિવારે હતી !
- અમુક લોકોનો હિસાબ અલગ છે. તેઓ માને છે કે એક જ ટિકીટમાં ટોટલ 15 કલાક સ્ટેડિયમમાં બેસવા મળ્યું. ઉપરથી ભરઉનાળે વરસાદ જોવા મળ્યો અને વરસાદ પડ્યા પછી ગ્રાઉન્ડ સ્ટાફની કામગીરી તો સાવ ફ્રીમાં જોવા મળી.
- એટલું જ નહીં, મેટ્રોમાં સોમવારે લીધેલી રિટર્ન ટિકીટ મંગળવારે પણ ચાલી ગઈ ! ફાયદો જ છે ને ?
***
કહેવાય છે કે મેચની ટિકીટોની લે-વેચ ફેસબુક અને વોટ્સ-એપમાં થઈ રહી હતી !
- બોલો, ઝુકરબર્ગે પણ આવું નહીં વિચાર્યું હોય !
***
ભારતીય શેરબજાર ફ્રાન્સના શેરબજારથી આગળ નીકળીને દુનિયાનું પાંચમા નંબરનું શેરબજાર બન્યું છે.
- આ તો હજી IPLનો સટ્ટો લિગલ નથી કર્યો એટલે, બાકી તો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment