સ્કુલો અને કોલેજોમાં તો વેકેશન પડતાં જ હોય છે પણ બોસ, કોર્ટોમાં પણ વેકેશન પડે છે ! મૂળ તો અંગ્રેજોને આપણી પ્રજાને સરખો ન્યાય આપવો જ નહતો એટલે કોર્ટમાં વેકેશનોનું તૂત ઘુસાડી દીધેલું ! ઉપરથી આપણે ય કેવા બાઘા કે 75-75 વરસ સુધી આપણને એવી અક્કલ નથી આવતી કે ભૈશાબ, માત્ર કોર્ટો જ શા માટે, ગુન્ડાઓને પણ વેકેશન મળવું જોઈએ ને ?
જુઓ, ભારતની કોર્ટો તો બિચારી એટલા માટે વેકેશન પાડે છે કે એ લોકો આખું વરસ ન્યાય આપી આપીને થાકી જાય છે ! એટલે જરીક થાક ઉતારવા વેકેશન પાડે ય ખરા, પણ યાર, ગુન્ડાઓએ પણ સમજવું જોઈએ ને ? વરસમાં એકાદ મહિનો ગુન્ડાઓ વેકેશન પાડે તો કેવું સારું ?
***
ક્રાઇમ બંધ ?
આહાહા… આ તો કલ્પના જ કેવી અદ્ભૂત છે ! એક મહિના માટે નો-ગુંડાગર્દી, નો-દાદાગિરી, નો-કિડનેપિંગ, નો-ખંડણી, નો-હેરાફેરી, નો-મર્ડર, નો-ગેંગવોર.. અરે, નો-દારૂ, નો-ચરસ, નો- જુગાર કા અડ્ડા !
હેં ? એક મિનિટ ! દારૂ પણ બંધ ? જોયું ? ટેન્શન થઈ ગયું ને ? પણ બોસ,. જરા વિચારો, આ બધું જ બંધ થઈ જાય તો બિચારી પોલીસ શું કરશે ? માત્ર ‘ડ્યૂટી’ ?
જુઓ, અમે સમજીએ છીએ કે આમાં પોલીસ સ્ટાફને બહુ સહન કરવું પડશે. પરંતુ માત્ર એક જ મહિનાનો સવાલ છે ને ? ફક્ત મહિના માટે પબ્લિકને સહકાર આપો, પછી અગિયાર મહિના તો ગુન્ડાઓને સહકાર આપવાનો જ છે ને ?
***
નોટિસો લાગશે
દારૂ-ચરસના અડ્ડાઓની બહાર નોટિસો લગાડી દેવી પડશે કે ‘અમારા માનનીય ગ્રાહકોને જણાવવાનું કે આવતા મહિનાની સાતમી તારીખથી અડ્ડામાં એક મહિનાનું વેકેશન રહેશે. તો વેકેશનનો સ્ટોક ભરી લેવા માટે અગાઉનો હિસાબ ચૂકતે કરીને નવા ઓર્ડરો તાત્કાલિક નોંધાવીને પોતપોતાનો માલ ઉપાડી લેવા વિનંતી છે. વેકેશનમાં હોમ-ડિલીવરી પણ બંધ છે. ખાસ નોંધ : વેકેશન દરમ્યાન જો કોઈ પોલીસ કેસ થાય તો તેને માંડવાળીની જવાબદારી અડ્ડાના માલિકની રહેશે નહીં.’
***
ક્રાઈમ-શો પણ બંધ ?
જો મહિના માટે દેશમાં ક્રાઈમ જ વેકેશન ઉપર હોય તો ન્યુઝ ચેનલોમાં આવતા પેલા ક્રાઈમ પેટ્રોલ/ડિઝલ/કેરોસીન/ગેસ ટાઈપના પ્રોગ્રામો પણ શું બંધ કરવા પડશે ? ના, TRP ટકાવી રાખવા માટે હવે એમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને બદલે ‘ઘરેલું ક્રાઇમ’ના કિસ્સાઓ આવશે :
‘દેખિયે કાનપુર કા સનસનીખેજ કિસ્સા… સાસ-બહુ કે બીચ હુઈ હિંસક ભીડંત… સાસ ને દે મારી કડાઈ, બહુ કે સર પર… પડોસીયોં ને લિયે બડે મજે…’
અથવા ગુજરાતી ન્યુઝ ચેનલમાં : ‘તમે જોઈ શકો છો… વેકેશનમાં સાવ નવરા પડી ગયેલાં સરકારી શાળાના શિક્ષકો મારી રહ્યા છે માખીઓ… તમે જોઈ શકો છો… કેટલી માખીઓ તડાતડ મરી રહી છે…’
***
ડેડલાઈનો આવશે
ગુંડાઓએ પણ વેકેશનમાં જતાં પહેલાં આગળનો ‘બેક-લોગ’ પતાવવો પડશે ને ? તમારા બાળકનું કિડનેપ થઈ ગયું હશે તો ઘરે ફોન આવશે : ‘હવે જલ્દી પતાવો હોં ? પછી બે દહાડામાં અમારું વેકેશન પડવાનું છે ! તમે હમણાં પૈસા નહીં મોકલાવો તો પછી તમારો બાબો આખો મહિનો અમારા છુપા અડ્ડામાં પડી રહેશે… પછી એમ ના કહેતા કે બાબો ખાધાપીધા વિના આટલો સૂકાઈ કેમ ગયો છે ?’
જે ગુન્ડાઓ ખંડણીનો ધંધો કરતા હશે એમણે તો કડક ભાષામાં ભપકી સાથે ઓફર પણ આપવી પડશે : ‘દેખ ચપડગંજુ કી ઔલાદ ! અબી દો દિન કે અંદર જો માંડવાલી કરને કા હૈ વો કર ડાલ ! અભી પ્રિ-વેકેશન ડિસ્કાઉન્ટ ચલ રૈલા હૈ, બોલે તો દસ ટક્કા લેસ ! ફિર નવી સિજન મેં ભાવ બઢનેવાલા હૈ ! બાદ મેં મત બોલના કી અપુન ને બોલેલા નંઈ થા…’
***
એન્કાઉન્ટરોનું શું ?
બિચારા ગુન્ડાઓ વેકેશનમાં ગોવા-મહાબળેશ્વર કે કોડાઈ કેનાલ જઈને ઠંડક માણતાં સૂતા હોય ત્યાં જઈને પોલીસવાળાઓ અચાનક તેમનું એન્કાઉન્ટર કરી નાંખે એ તો ના ચાલે ને ? આઇ એમ શ્યોર કે પોલીસ આવું નહીં જ કરે. કેમ કે એમને પણ એ બહાને વેકેશન તો મળે જ છે ને ?
બસ, સવાલ માત્ર એટલો જ છે કે જો સળંગ એક મહિના સુધી કોઈ એન્કાઉન્ટર ના થાય તો એ સંજોગોમાં શું સેક્યુલરોને લોકશાહીનું ‘પુનર્સ્થાપન’ થઈ રહ્યું છે એવું લાગશે ખરું ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment