આજના કોઈ જુવાનિયાને પૂછો કે ‘ચંદુલાલ શાહ કોણ ?’ તો કહેશે ‘હશે કોઈ પ્રોડ્યુસર…’
કોઈ જુની ફિલ્મોના રસિયાને પૂછો કે ‘રણજીત મુવીટોનનું નામ સાંભળ્યું છે ?’ તો કહેશે ‘હા, પેલો અંધેરીમાં છે એ રણજીત સ્ટુડિયો ને ?’
પરંતુ જે જુની ફિલ્મોના ખરેખરા જાણકાર છે એમને પૂછો તો કહેશે કે ‘હાસ્તો, એ જ ચંદુલાલ શાહ જેમને ફિલ્મ ઉદ્યોગમાં ‘સરદાર’નું બિરુદ મળ્યું હતું !’
છેક 1925ના મુંગી ફિલ્મોના જમાનાથી લઈને 1960 સુધીમાં લગભગ સવાસો જેટલી ફિલ્મોનું નિર્માણ કરનારા ચંદુલાલ શાહ નામના આ ગુજરાતી વાણિયાની કહાણી કોઈ ફિલ્મી સ્ટોરીથી જરાય કમ નથી.
એક તો એમનો જન્મ જ ભારતીય સિનેમાના જન્મની તારીખ, એટલે કે 13 એપ્રિલ, 1913, જે દિવસે ‘રાજા હરિશ્ચંદ્ર’ રિલિઝ થઈ હતી, તેના બરોબર 25 વરસ પહેલાં જામનગરમાં થયો હતો. એમણે પોતાની જન્મકુંડળી કદી સિરિયસલી જોઈ જ નહીં હોય એટલે એમને પણ (અશોક કુમારની જેમ) ફિલ્મો બનાવવાનાં સપનાં નહોતાં આવતાં. પણ હા, ધૂમ પૈસો કમાવાની ઇચ્છા નસેનસમાં હતી.
મુંબઈની સિડહામ કોલેજમાં ભણીને એ 1924માં બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જમાં બ્રોકર તરીકે કામે લાગી ગયેલા. તો પછી ફિલ્મોમાં એન્ટ્રી શી રીતે થઈ ? અને એ પણ કોઈ આસિસ્ટન્ટ, મામુલી એક્ટર કે લેખક તરીકે નહીં પરંતુ સીધા જ લેખક-દિગ્દર્શક તરીકે !
વાત બહુ રસ પડે એવી છે. એમના મોટાભાઈ એ સમયે મુંગી ફિલ્મોના સિનેરિયો લખવાનું કામ કરતા હતા. (સિનેરિયો એટલે એક જાતની પટકથા જ સમજી લો. કયા દ્રશ્ય પછી કયું દ્રશ્ય આવશે, એમાં કોણે શું વસ્ત્રો પહેર્યાં હશે. સેટ કેવી જાતનો હશે તથા વચ્ચે જો સંવાદનું કાર્ડ આવે તો એમાં શું લખેલું હશે, વગેરે.)
યુવાન ચંદુલાલ નવરા પડે ત્યારે ફિલ્મ સ્ટુડિયોમાં લટાર મારવા જતા હતા. મૂળ જીવ વણિકનો એટલે એમનું ધ્યાન ક્રિએટિવીટીની સાથે સાથે ધંધાદારી વાતોમાં વધારે જતું હતું. એ વારંવાર એમના ભાઈને કહેતા ‘તમારા સ્ટુડિયોમાં સમયનો બહુ બગાડ થાય છે. મજુરો અને મિસ્ત્રીઓ નવરા બેસી રહે છે, લેબોરેટરીમાં ઝાઝું કામ નથી હોતું. કલાકારો બિન-જરૂરી ભાવ ખાય છે. વગેરે.’
આવી જ લટારો દરમ્યાન ચંદુલાલને જાણવા મળ્યું કે મુંબઈના શાનદાર ઇમ્પિરીયલ થિયેટરના માલિક આવનારા દિવાળી-ઈદના કમ્બાઈન તહેવારોમાં પોતાના થિયેટરમાં લગાડવા માટે કોઈ સારી નવી ફિલ્મ શોધી રહ્યા હતા, પણ એમને કંઈ બેસતું નહોતું.
ચંદુલાલે આ તક ઝડપી લીધી. એક દિવસ એમની ઓફિસે જઈ પહોંચ્યા અને કીધું કે ‘બોલો, હું તમને એક સાવ નવી ફિલ્મ માત્ર 20,000 રૂપિયામાં બનાવી આપું તો ?’ ચંદુલાલની વાક્છટા અને ગણિતો એવાં મજબૂત હતાં કે ઇમ્પિરીયલ થિયેટરનો માલિક અંજાઈ ગયો એમણે એ જ ઘડીએ 10,000 રૂપિયા એડવાન્સ પેટે ચૂકવી આપ્યા.
તહેવારો આડે માંડ સવા મહિનો બચ્યો હતો. ચંદુલાલે તો માત્ર એક મહિનામાં ફિલ્મ બનાવી આપવાનો વાયદો કર્યો હતો. શૂટિંગ પણ ત્રીજા જ દિવસે શરૂ થઈ ગયું ! ઇમ્પિરીયલનો માલિક ખુશ હતો, પણ દસેક દિવસ પછી તપાસ કરતાં ખબર પડી કે ચંદુલાલ કોઈ ‘ધાર્મિક’ નહીં પણ મોર્ડન જમાનાની ‘સામાજિક’ ફિલ્મ બનાવી રહ્યા છે !
થિયેટર માલિક હાંફળા હાંફળા સ્ટુડિયો ઉપર ધસી આવ્યા. ચંદુલાલે એમને ખાસ ભાવ આપ્યા વિના કહ્યું કે ‘ફિલ્મ લગભગ અડધી તો પતવા આવી છે, હવે એમાં કંઈ ફેરફાર ના થાય !’
ઇમ્પિરીયલના માલિક કહે ‘ભાઈ, તું મને નવડાવી નાંખીશ !’
ચંદુલાલે મગજમાં બરફની ઠંડક રાખીને કામ ચાલુ રાખ્યું. રિલીઝની તારીખના અઠવાડિયા પહેલાં ફિલ્મ તૈયાર હતી ! એમણે કહ્યું, ‘હવે જાહેરાતમાં ધ્યાન આપો. ફિલ્મના પોસ્ટર બનાવીને ઠેર ઠેર ચોંટાડો. મોટાં મોટાં બેનરો ચીતરાવો, થિયેટરને નવેસરથી શણગારો… મૂડીની ચિંતા ના કરો, નફો વધારવાનું વિચારો..’
ચંદુલાલ શાહની એ પહેલી ફિલ્મનું નામ હતું ‘વિમલા’. જે ઇમ્પિરીયલ થિયેટરમાં જ દસ અઠવાડિયા લગી ચાલતી રહી હતી. પ્રોડ્યુસર રાજી રાજી હતો. ચંદુલાલ એ જ માલિક માટે વધુ બે ફિલ્મો બનાવી આપી. ‘પંચદંડ’ અને ‘માધવ કામકુંડલ’.
જોકે વેપારી દિમાગ ધરાવતા અને શેરબજારમાં રૂપિયાને ‘રમાડી’ જાણતા ચંદુલાલ ઝડપથી સમજી ગયા કે માત્ર દિગ્દર્શનમાં જાત ઘસવાથી ઝાઝો ફાયદો નથી. જો ફિલ્મ ઝડપથી બને, ઝડપથી રિલીઝ થાય અને ઓછા નફે બહોળો વેપાર થાય તો જ આ લાઈનમાં પડાય !
છતાં ચોથી ફિલ્મ માટે એવી લોભામણી ઓફર આવી કે ચંદુલાલ પોતાની જાતને રોકી ના શક્યા ! એટલું જ નહીં, એ જ ફિલ્મ વડે એમનું તકદીર હંમેશ માટે બદલાઈ ગયું. એ ફિલ્મ હતી… ‘ગુણસુંદરી’ જેનો અજીબ કિસ્સો વાંચજો આવતા અઠવાડિયે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Very interesting
ReplyDeleteજાણકારી / +સમજણ
ReplyDeleteआगे बढो,हम आपके सीथ है!
ReplyDeleteVery interesting!
ReplyDelete