દિલ્હીમાં નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાબતે અમુક વિરોધપક્ષો આડા ફાટ્યા છે. એમનું કહેવું છે કે એનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હાથે ના થવું જોઈએ.
અમે તો કહીએ છીએ કે આખા કાર્યક્રમમાં જ ધરખમ ફેરફારો કરાવની જરૂર છે. જુઓ.
***
સૌથી પહેલાં તો આ ‘સેન્ટ્રલ વિસ્ટા’ નામ બદલો ! એના બદલે ‘લોકશાહી-મંદિર’ રાખો.
જોકે, ‘શાહી’માં સલ્તનતની ગંધ આવે છે ! રાઈટ ? તો એક કામ કરો, ભવનનું નામ ‘ગણતંત્ર અમૃત મંદિર’ રાખો !
***
વળી ‘ઉદ્ઘાટન’ શાનું ? એનું તો ‘લોકાર્પણ’ થવું જોઈએ. એ પણ સાવ અનોખી રીતે…
જેમકે, છેલ્લાં વીસ વરસમાં જે સાંસદો સૌથી વધુ ગેરહાજર રહ્યા છે એમને ‘હાજર’ કરો !
***
જે સાંસદો સંસદ ભવનમાં કશું બોલતા જ નથી એમને લાંબા લાંબા ભાષણો કરવાની ફરજ પાડો !
***
અને જે સાંસદો ભવનમાં સૌથી વધુ કલાકો સુધી ઊંઘ્યા છે, એમને ઉઠાડીને મંચ ઉપર સૌની સામે બેસાડો !
***
જે સાંસદોને ધાંધલ કરવા બદલ ટીંગાટોળી કરીને સદનની બહાર મોકલ્યા હતા તે સૌને માનભેર તેડાવો અને સન્માનપૂર્વક ટીંગાટોળી કરીને મંચ ઉપર બેસાડો !
***
અને જે સાંસદો સતત ઘોંઘાટ કરતા રહે છે, બીજાને બોલવા જ નથી દેતા, સદનને ડિસ્ટર્બ કર્યા કરે છે તેમનું શું ?
માત્ર એમને જ નહીં, સમારંભમાં હાજર હોય એ સૌ મહેમાનોને માઈક આપો ! અને કહો કે આખા કાર્યક્રમ દરમ્યાન સતત ઘોંઘાટ કરતા જ રહો !
સંસદ ભવન જેવું વાતાવરણ લાગવું જોઈએ ને ?
***
નવા સંસદ ભવનનું શુધ્ધિકરણ કરાવો ! કોના હાથે ?
અરે, જે સાંસદો ઉપર ક્રિમિનલ ચાર્જીસ છે… બળાત્કાર, ભ્રષ્ટાચાર, ગોબાચારી અને હિંસાના આરોપો છે એમના જ હસ્તે !
***
અને હા, ફાઈનલ ઉદ્ઘાટન એ બટન દાબીને થવું જોઈએ, જેના વડે ચોક્કસ સાંસદોનાં માઈક ‘મ્યુટ’ કરવામાં આવે છે ! જય ગણતંત્ર.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment