આપણા ગુજરાતીઓનો અને ખાસ કરીને અમદાવાદીઓનો સ્વભાવ જ એવો છે કે લાખ કોશિશ કરવા છતાં અમુક સ્થિતિમાં આપણાથી આવું થઈ જ જાય છે ! જેમ કે…
***
ઘરે ભલે માંડ ત્રણ રોટલી ખાતા હોઈએ છતાં રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ ત્યારે ફિક્સ થાળીની કિંમત ‘વસૂલ’ કરવા માટે વધારે પડતું ખવાઈ જાય છે !
- બોલો, આવું થાય છે ને ?
***
મેરેજના ડિનરમાં તો વેલકમ ડ્રીન્કથી લઈને છેલ્લી સ્વીટ ડીશ સુધીનું બધું જ દાબી દાબીને ખાવા જોઈએ ! ભલે ને ચાંલ્લો 101નો જ કેમ ના કર્યો હોય !
- બોલો, આવું થાય છે ને ?
***
બોસ, બધે વાત પૈસાની નથી હોતી. દાખલા તરીકે ઊભાં ઊભાં આઈસ્ક્રીમ ખાતા હોઈએ ત્યારે જે પીગળેલો આઇસક્રીમ શર્ટ ઉપર પડી જાય છે, તેને લૂછીને આંગળી ચાટી જ લઈએ છીએ !
- બોલો, આવું થાય છે ને ?
***
અને બધે વાત સ્ટેટસની પણ નથી હોતી. જેમકે ભલે આપણે રાજધાની એક્સ્પ્રેસ, વંદે ભારત કે એર-ઈન્ડિયાની એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકીટ ખરીદવામાં ચાર-પાંચ આંકડાની રકમ ખર્ચી નાંખી હોય, પણ ત્યાં ફ્રીમાં મળતી ફાલતુ ચોકલેટો, સેન્ડવીચો અને સ્વાદ વગરના મિલ્ક પાવડરનાં પાઉચ પર્સમાં નાંખી જ દઈએ છીએ !
- બોલો, આવું થાય છે ને ?
***
ઘરે 27 જાડી કોથળીઓ, 57 મોટી કોથળીઓ, 197 ઝભલા કોથળીઓ અને સાત બ્રાન્ડેડ કોથળીઓ હોય તો પણ ખરીદી કર્યા પછી કહેવાનું કહેવાનું ને કહેવાનું જ કે ‘આ બધું કોથળીમાં નાંખીને આપો ને !’
- બોલો, આવું થાય છે ને ?
***
બાકી પાણીપુરીનું તો એવું છે કે ગમે એટલી ઓછી ખાધી હોય તો છેલ્લે પેલી ‘કોરી’ પાણીપુરી તો…
- બોલો, એવું થાય છે ને ?
***
- મન્નુ શેખચલ્લી
Good observations, but some of the above incidents are inevitable and have to do what we do. But, it was funny.
ReplyDelete