પત્ની પિયર જાય એટલે એકાદ દિવસ માટે તો પતિ પિંજરામાંથી બહાર નીકળેલા પોપટની માફક પાંખો ફફડાવીને રાજી થાય છે… પણ પછીના દહાડા બહુ કઠણાઈના હોય છે !
આવા ‘સિંગલ-પતિઓ’ માટે એક વેકેશન બેચના ક્લાસિસ શરૂ કરવા જેવા છે ! જુઓ સિલેબસ…
***
સવારે ઊઠીને ચાદરની ગડી કરતાં શીખો…. પ્લસ, પલંગની ચાદરને ફરીથી સરખી પાથરવાનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન બતાડવામાં આવશે.
***
દૂધની કોથળી એ ચાની પોટલી નથી. (દેશી દારૂની પણ નહીં.) દૂધ ઢોળાય નહીં એ રીતે કાતર વડે કટ કરીને તપેલીમાં રેડતા શીખો.
***
ઉભરાતા દૂધનું સુક્ષ્મ નીરીક્ષણ… અણીના સમયે ગેસ બંધ કરવાની કળા… દૂધ ઉભરાઈ જાય તો ગભરાયા વિના અને દાઝ્યા વિના ગેસને સાફ કરવાના પ્રેક્ટિકલ્સ જુઓ.
***
ટ્રેમાંથી બરફ, દૂધમાંથી મલાઈ તથા ટિફીનના છલોછલ ડબ્બામાંથી દાળ કાઢવાની કળા શીખો. લાઈવ ડેમોના વિડીયો ફ્રીમાં મળશે.
***
તપેલીમાં ચોંટી ગયેલી ચાની ભૂકી, કૂકરમાં ચોંટી ગયેલી રબરની રીંગ તથા રંગીન વિડીયોઝ જોઈને ચોંટી ગયેલી દિમાગની પીન… આ ત્રણે કચકચાવીને જોર આપવાથી જ ઉખડશે ! આવાં અદ્ભુત જ્ઞાન સાંભળો સિંગલ પતિદેવો માટેનો સંસ્કારી મોટિવેશનલ વિડીયોમાં !
***
સુંધીને તફાવત પારખતાં શીખો : તાજાં મોજાં અને વાસી મોજાં, તાજાં અંડરવેર અને વાસી અંડરવેર, તાજુ ચવાણુ અને વાસી ચવાણું… (આ છેલ્લી આઇટમ ડ્રિંક્સની મઝા જળવાઈ રહે એના માટે છે.)
***
સુઘડ હસબન્ડ બિહેવિયરની ટ્રેનીંગ આપવામાં આવશે :
(1) મિત્રો સાથે મહેફિલ માણી રહ્યા હો અને અચાનક પત્નીનો વિડીયો કોલ આવે તો કઈ કઈ કાળજીઓ લેવી ?
(2) સવારનો હેંગઓવર ચહેરા ઉપર ના દેખાય તે માટે શું કરવું ?
(3) પોતાનું લાઈવ લોકેશન સતત ઘરમાં જ દેખાય તેની ખાસ ટોપ-સિક્રેટ ટ્રીક્સ શીખો !
(4) નવરા પાડોશીઓનાં CCTVથી બચવાની ટ્રીક્સ શીખવાનો ચાર્જ એકસ્ટ્રા થશે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment