અશોક કુમાર કી અજબ કહાની !

સવાલ નંબર એક : તાજેતરમાં આવેલી વેબસિરિઝ ‘જ્યુબિલી’ને અશોક કુમાર સાથે શું સંબંધ છે ? અને સવાલ નંબર બે : તાજેતરમાં સિધ્ધાર્થ મલ્હોત્રાને પરણેલી અભિનેત્રી કિયારા અડવાણી આ અશોક કુમારની શું સગી થાય ?

સવાલ નંબર એકનો જવાબ એ જ આપણા સદાબહાર અભિનેતા અશોક કુમારની અજીબ દાસ્તાન છે. અશોક કુમારનું મૂળ નામ તો કુમુદલાલ અને જન્મ છેક બિહારના પેલા (હાલમાં) ફેમસ ભાગલપુર ગામમાં. કુમુદલાલના પિતાજી કલકત્તામાં મોટા વકીલ હતા અને એમની ઇચ્છા હતી કે કુમુદલાલ પણ વકીલ બને. બિચારા કુમુદલાલને પણ એમ હતું કે ભલે વકીલાત આવડે કે ના આવડે બાપાના ક્લાયન્ટોથી ગાડું ગબડી જશે.

કહેવાનો મતલબ એટલો જ કે ‘પ્રિ-અશોક કુમાર કાળ’માં કુમુદલાલને એક્ટિંગ કરવાનું સપનું પણ નહોતું આવતું ! કુમુદલાલની એન્ટ્રી ફિલ્મોમાં શી રીતે થઈ એની અજીબ દાસ્તાન ખરેખર ટેઢીમેઢી છે. 

થયું એવું કે લો-કોલેજના પહેલા જ વરસમાં ભાઈ સાહેબ નાપાસ થયા ! ઘરે બાપાનો ગુસ્સો રોજ રોજ સહન ના કરવો પડે એટલે કહ્યું કે ‘થોડા દિવસ મુંબઈમાં બહેનને ત્યાં રહી આવું.’ હવે કુમુદલાલના બહેન કોણ ? એ છોડો. કુમુદલાલના બનેવી કોણ ? એમ પૂછો. કેમકે એમનું નામ શશધર મુખર્જી ! (હા, દિલ દેકે દેખો, લવ ઇન સિમલા અને એક મુસાફિર એક હસીના જેવી ફિલ્મના પ્રોડ્યુસર !) પણ મારા સાહેબો, બનેવીલાલ પ્રોડ્યુસર તો બહુ પાછળનાં વરસોમાં થયા, અને એ પણ સાળાની જ ઓળખાણોથી ! પણ જ્યારે સાળા સાહેબ, યાને કે કુમુદલાલ મુંબઈમાં ફરવા માટે આવી પડ્યા ત્યારે બનેવીલાલ એ જમાનાની ટોચની પ્રોડક્શન કંપની બોમ્બે ટોકિઝમાં કંઈ ટેકનિકલ સાઈડમાં નોકરી કરતા હતા.

સાળા સાહેબ વારંવાર બહેન પાસે મુંબઈમાં હરવા-ફરવા માટે પૈસા માગતા હશે, કે પછી એમને આ રીતે પૈસા માગવાનું સારું નહીં લાગતું હોય, જે કારણ હોય તે, પરંતુ બનેવીલાલે આપણા કુમુદલાલને બોમ્બે ટોકિઝમાં એક ટેમ્પરરી નોકરીમાં ગોઠવી દીધા જેથી એની ખિસ્સાખર્ચી પોતે કાઢી શકે. હવે બન્યું એવું કે આ ભાઈને અહીં સ્ટુડિયોની લેબમાં (જ્યાં શૂટિંગ થયેલી ફિલ્મોની નેગેટિવ ડેવલપ થાય તેની પ્રિન્ટ નીકળે, તેનું પ્રોજેક્શન થાય વગેરે) કામમાં બહુ રસ પડી ગયો. એમણે જેમ તેમ કરીને બાપુજીને કન્વીન્સ કરી દીધા કે પપ્પા, મારાથી વકીલ-બકીલ નહીં થવાય. મારી કેપેસિટી આટલી જ છે !

હવે કિસ્મતનો ખેલ જુઓ… પેલું કહે છે ને, કે યહાં દેર હૈ પર અંધેર નહીં હૈ… તે સાચું પડવાનું હતું ! એ પણ નેગેટિવ ડેવલપ કરવાના અંધારા ડાર્ક-રૂમમાં નહીં પણ સ્ટુડિયોની ચકાચૌંધ કરી નાંખતી લાઈટોની વચ્ચે !

વાત એમ હતી કે બોમ્બે ટોકિઝના માલિક હતા હિમાંશુ રાય. એમની ખુબસુરત પત્ની હતી દેવિકા રાની. જેના નામના ઓલરેડી સિક્કા પડતા હતા અને જે બોમ્બે ટોકિઝની પચાસ ટકા માલિકણ પણ હતી. આપણા કુમુદલાલને નોકરી કર્યે કર્યે પાંચ વરસ વીતી ચૂક્યાં હતાં. પરંતુ 1936માં જ્યારે ‘જીવન નૈયા’ નામની ફિલ્મનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન જ દેવિકા રાની તેની સાથે હિરો તરીકે કામ કરતા નજમ-ઉલ-હસન નામના એકટર સાથે પ્રેમમાં તો પડ્યાં જ પડ્યાં, પણ એક રાતે બન્ને ભાગી પણ ગયાં !

જોકે છેવટે હિમાંશુ રાયે દેવિકા રાનીને મનાવી લીધી અને ઘરે પાછી પણ બોલાવી લીધી. પરંતુ રાય સાહેબની ખોપડી એટલી ગરમ હતી કે જ્યારે સવાલ થયો કે ‘હવે ફિલ્મનો હિરો કોણ બનશે ?’ ત્યારે એ જ સમયે કંઈ કામસર સ્ટુડિયોમાં આવેલા કુમુદલાલ ઉપર એમની નજર પડી ! અને તેમણે કીધું ‘હીરો બનશે આ છોકરો ! હું હિમાંશુ રાય છું. કોઈને પણ હિરો બનાવી શકું !’

આમ રાતોરાત નહીં, પણ ધોળે દહાડે, કુમુદલાલના ચહેરા ઉપર મેકપ ચોપડવામાં આવ્યો અને તેમને કેમેરા સામે ધરી દેવામાં આવ્યા ! નસીબજોગે કુમુદભાઈએ અભિનય ઠીકઠાક કરી બતાડ્યો અને એના જ કારણે માત્ર એમનું જ નહીં પણ જતે દહાડે નાનાભાઈ કિશોરકુમારનું પણ નસીબ ફરી ગયું !

હવે પહેલા સવાલનો જવાબ એ છે કે વેબસિરિઝ ‘જ્યુબિલી’માં આ કિસ્સાને બહુ ખરાબ રીતે તોડીમરોડીને રજુ કરાયો છે. 

બાકી બીજા સવાલનો જવાબ સાવ જલેબી જેટલો સીધો છે કે અશોક કુમારની ભારતી નામની દિકરી કોઈ પટેલને પરણી હતી જેનાથી અનુરાધા પટેલ નામની દિકરી થઈ, જે પહેલી વાર કંવલજીતને પરણી, પછી બીજી વાર અભિનેતા સઈદ જાફરીના ભાઈ હમીદ જાફરીને પરણી, જેના લીધે જે બે સાવકી દિકરીઓ મળી તેમાંથી એક જગદીપ અડવાણીને પરણી, અને તેનાથી જે દિકરી થઈ તે કિઆરા અડવાણી ! બોલો, જલેબી જેવું સીધું નીકળ્યું ને ?

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment