ભર ઉનાળે લગન એટલે... !


એક બાજુ ગરમીનો પારો 44 ડિગ્રીને ટચ થઈ રહ્યો છે અને બીજી બાજુ બેચલર ડિગ્રીવાળાં છોકરા-છોકરીઓ પરણીને મેરેજમાં માસ્ટર્સનો કોર્સ કરવા જઇ રહ્યા છે !
આમાં સૌની હાલત કેવી થાય છે ? જુઓ…

*** 

એક તો સખ્ખત ગરમીને કારણે સતત ઠંડા પાણીની બોટલો ગટગટાવતા રહીએ છીએ...

એટલે જ્યારે જમવાનો ટાઇમ થાય ત્યારે પેટ ઓલરેડી ભરેલું હોય છે !

*** 

વરરાજા એસી કારમાં શાંતિથી નાળિયેર પકડીને બેઠો હોય છે…

અને જાનૈયાઓ નાચ્યા વિના જ પરસેવે રેબઝેબ હોય છે !

*** 

પણ પછી એનું સાટું વળી જાય છે. કેમકે મંડપમાં જાનૈયાઓ પંખાની આસપાસ બેઠા હોય છે…

અને વરરાજા ગરમાગરમ યજ્ઞની વેદી પાસે બેઠો હોય છે !

*** 

નવાઈની વાત એ છે કે શિયાળાનાં લગ્નોમાં છોકરીઓ બેકલેસ અને સ્લીવલેસ બ્લાઉઝો પહેરે છે છતાં એમને ઠંડી નથી લાગતી…

… અને ઉનાળામાં એજ છોકરીઓ ચળકતી ગોલ્ડન-સિલ્વર એમ્બ્રોયડરીવાળાં બ્લાઉઝો અને પંદર પંદર કિલોનાં વજનદાર ચણિયા પહેરે છે છતાં એમને ગરમી નથી લાગતી ! બોલો.

*** 

તમે માર્ક કરજો, વડીલોના રૂમાલો પરસેવો લૂછી લૂછીને ભીનાં પોતાં જેવાં બની જાય છે….

પણ આન્ટીઓ સાડીના પાલવ વડે મોં ઉપર પંખો નાંખ્યા કરશે પણ પોતાનો રૂમાલ નહીં વાપરે !

*** 

કેટરિંગવાળા પણ બહુ હોંશિયાર હોય છે. એ લોકો ઠંડુ વેલકમ ડ્રીન્ક વારંવાર મંડપમાં ફેરવ્યા કરશે…

પણ આઈસ્ક્રીમનું કાઉન્ટર છેક ખૂણામાં એવી રીતે રાખશે કે જાણે અહીં ટ્રેઝર-હન્ટની ગેમ ચાલી રહી હોય !

*** 

બાકી, તમે નહીં માનો આજકાલનાં લગ્નોમાં કેરીના રસને ઠંડો રાખવા માટે જેટલો બરફ દિવસ દરમ્યાન વપરાય છે…

એનાથી ડબલ બરફ રાત્રે તો બેઠકના ગ્લાસોમાં પડી જતો હોય છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments