યે દોસતીઈઈઈ... હમ નહીં છોડેંગેએએએ.... !

વડોદરા આગળ હાઈ-વેથી પસાર થતા રાત્રે એક અનોખું દૃશ્ય જોયું. ત્રણ જુવાન છોકરાઓ એક જ બાઇક પર સવાર હતા અને મોટા અવાજે લગભગ આખા ટ્રાફિકને સંભળાય એવી રીતે ગાઇ રહ્યા હતા : ‘યે દોસ્તી… હમ નહીં તોડેંગે…’

આમ જોવા જાવ તો કોઈ ટ્રાફિક પોલીસે એમને વિધાઉટ લાયસન્સ કે વિધાઉટ પીયુસીમાં પકડાવા બદલ માટે આવી સજા તો નહીં જ કરી હોય ને ? પછી વિચાર આવ્યો કે કમાલ છે બોસ ! અડતાલીસ-અડતાલીસ વરસ પછી પણ આ ગાયન યુવા પેઢીના હોઠે આસાનીથી હજી રમી રહ્યું છે !?

આજકાલની ફિલ્મો ફ્રેન્ડો તો હોય છે પણ મોટાભાગે હીરોના ચમચા હોય છે. જો ત્રણ સરખા ફ્રેન્ડો હોય તો એ લોકો કાં તો સ્પેનના પ્રવાસે જતા રહે છે અથવા કોઈ લેડી ગેંગસ્ટરની જાળમાં ફસાઈ જાય છે ! છતાં એમણે ગાયેલાં ગાયનોમાં દોસ્તીનો ખાસ મહિમા નથી હોતો. બાકી અગાઉની ફિલ્મોમાં તો આહાહા… જ્યાં હાથ નાંખો ત્યાંથી દોસ્તીના ગાયનો નીકળી આવતાં હતાં.

‘યારી હૈ ઇમાન મેરા યાર મેરી જિંદગી…’ ‘એ યાર સુન, યારી તેરી મુઝે જિંદગી સે ભી પ્યારી હૈ…’ ‘તુજ પે કુરબાં મેરી જાન, મેરા દિલ મેરા ઇમાન, યારી મેરી કહતી હૈ, યાર પે કર દે સબ કુરબાન…’ વગેરે કેવાં કેવાં ગાયનો હતાં ? આજે આવા ગાયનો કેમ નથી ? 

તો બોસ, ગાયનોના શબ્દો ધ્યાનથી વાંચો… દોસ્તીને ‘ઇમાનદારી’ સાથે સરખાવી છે ! હવે જ્યાં જમાનો જ ઇમાનદારીનો ના રહ્યો ત્યાં દોસ્તીમાં ક્યાંથી આવે ?

એ જમાનામાં ગાતા હતા કે ‘જહાં ચાર યાર મિલ જાયે, વહીં રાત હો ગુલજાર…’ તો આજના જમાનામાં એડ આવે છે કે ‘ખુબ જમેગા રંગ, જબ મિલ બૈઠે તીન યાર, મેં તુમ ઔર બેગ પાઈપર!’ (મતલબ કે દોસ્તી બાટલી સાથે જ છે.)

જુના જમાનાનું એક ગાયન હજી નવા જમાનાનાં લગ્નોમાં વાગે છે : ‘આજ મેરે યાર કી શાદી હૈ, લગતા હૈ જૈસે સારે સંસાર કી શાદી હૈ !’ (અલ્યા, આ સંસારની શાદીનું કારણ પેલું બેગ પાઈપરનું ક્વાર્ટરીયું તો નથી ને?) બીજું પણ એક ગાયન હતું : ‘મેરા યાર બના હૈ દુલ્હા, ઔર ફૂલ ખિલે હૈં દિલ કે, મેરી ભી શાદી હો જાયે, દુવા કરો સબ મિલ કે !’ પરંતુ આ ગાયન ખાસ વાગતું નથી કેમકે છોકરાઓને પરણવામાં ખાસ ઇન્ટ્રેસ્ટ નથી લાગતો.

બાકી જુના જમાનાના ગીતકારોએ દોસ્તીને તો કેવા ઊંચા એક્ઝિક્યુટિવ ક્લાસની સીટમાં બેસાડીને હવામાં ચગાવી છે ! ‘સચ મેરે યાર હૈં, બાકી બેકાર હૈ…’ ‘જિંદગી કા નામ દોસ્તી, દોસ્તી કા નામ જિંદગી...’ ‘દિયે જલતે હૈં, ફૂલ ખિલતે હૈં, બડી મુશ્કિલ સે મગર, દુનિયા મેં દોસ્ત મિલતે હૈં...’ 

અરે ‘દોસ્તી’ નામની જે ફિલ્મ હતી એમાં તો ફ્રેન્ડશીપની ફિલોસોફી ઠાંસીઠાંસીને ભરી છે કે ‘કોઈ જબ રાહ ન પાયે, મેરે સંગ આયે, કે પગપગ દિપ જલાયે, મેરી દોસ્તી મેરા પ્યાર !’ મતલબ કે જો ક્યાંય કોઈ રસ્તો ન જડે તો મારી સાથે આવી જાવ, ડગલે ને પગલે પ્રકાશ હશે ! મારી દોસ્તી એ જ મારો પ્રેમ છે !

70ના દાયકામાં જમાનામાં ડબલ-હીરોવાળી ફિલ્મોમાં અચૂક દોસ્તીનું એકાદ ગાયન તો આવી જ જતું હતું. ‘સાત અજુબે ઇસ દુનિયા મેં, આઠવીં અપની જોડી !’ (લો બોલો.) ‘એ દોસ્ત મેરે મૈંને દુનિયા દેખી હૈ..’ ‘તેરે  જૈસા યાર કહાં, કહાં ઐસા યારાના, યાદ કરેગી દુનિયા, તેરા મેરા અફસાના…’ (જાણે લયલા-મજનુની દાસ્તાન બની જવાની હોય !) ‘બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા…’ (દુનિયા જાય ભાડમાં, ફક્ત દોસ્તી બચવી જોઈએ.) 

જુની ‘દોસ્તાના’ ફિલ્મ સુધી આવાં તમામ ગીતોના અર્થ આપણા દિમાગમાં સિમ્પલ જ હતા પણ પેલા કરણ જોહરે ‘દોસ્તાના’ ફિલ્મ બનાવી નાંખી એમાં બધું ગડબડ હોવાના ડાઉટ થવા માંડ્યા !

બાકી ‘ગબન’ ફિલ્મમાં તો સીધેસીધું કબૂલાતનામું જ ગવાયું છે ! ‘અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો.... યારોં ને મેરે વાસ્તે ક્યા કુછ નહીં કિયા, સૌ બાર શુક્રિયા અરે સૌ બાર શુક્રિયા !’ પણ પેલું કહે છે ને, કે ‘હર એક ફ્રેન્ડ કમીના હોતા હૈ…’

એટલે એકાદ રાજ કપૂર પિયાનો ઉપર બેસીને એના દોસ્તને મણમણની જોખાવતો દેખાય છે. ‘દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, જિંદગી હમેં તેરા એતબાર ના રહા..’ અને ધર્મેન્દ્ર ભરી મહેફિલમાં શ્રાપ આપે છે કે ‘મેરે દુશ્મન, તૂ મેરી દોસ્તી કો તરસે…’

જોકે આનંદ બક્ષીના ગીતોમાં ઘણીવાર ‘દોસ્તી’ શબ્દ ‘પ્રેમ’ના અર્થમાં વપરાયો છે. ‘દોસ્તી’ ફિલ્મનાં તો તમામ ‘ફ્રેન્ડશીપ સોંગ’ પ્રેમિકા માટે પણ ગાઈ શકાય તેવાં છે ! (અથવા કરણ જોહરના એંગલથી છોકરાઓ પણ એકબીજા માટે ગાઈ શકે ! જરા સુપ્રિમ કોર્ટનો ચૂકાદો આવી જવા દો, પછી તો આવાં ગાયનો લગ્નોમાં વાગશે !) 

જોકે રહી રહીને એક જ સવાલ થાય છે કે ફેસબુકમાં તો કરોડોની સંખ્યામાં ‘ફ્રેન્ડઝ’ છે છતાં એક પણ ગાયન ‘ફેસબુક-ફ્રેન્ડ’ માટે કેમ નથી લખાતું?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Like every time, a jem of a હાસ્ય લેખ.

    એક અતિશય ખૂબસુરત ગાયન જેના બદલ પાછળ થી શંકા વ્યક્ત થઈ ગઈ હતી.

    બસ યહી અપરાધ મૈ હરબાર કરતા હું, આદમી હું આદમી સે પ્યાર કરતા હું.

    વિચાર કરો જરા🤔

    ReplyDelete
  2. સારું થયું કે એ ગાયનનું રિ-મિક્સ નવી દોસ્તાના ફિલ્મમાં નથી લીધું

    ReplyDelete

Post a Comment