આપણાં મેરેજોમાં આજકાલ એવા રિવાજો ઘૂસી ગયા છે કે એમનાં સોલ્યુશનો લાવવાનો હાઈ-ટાઈમ થઈ ગયો છે ! દાખલા તરીકે…
***
હાઈ-ટાઈમ છે કે…
વર અને કન્યાને એકબીજાના હાર પહેરાવવાની રમત રમાડવા માટે બબ્બે ક્રેઈનોની વ્યવસ્થા કરવામાં આવે !
***
હાઈ-ટાઈમ છે કે…
રિસેપ્શનોમાં કવર/ગિફ્ટ આપીને ફોટા પડાવવાની લાંબી લાંબી લાઈનોમાં ઘૂસ મારતા લોકોને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે !
***
હાઈ-ટાઈમ છે કે…
લગ્ન પત્યા પછી તોડી તોડીને ફેંકવા માટેનાં ફૂલો માટે ચાર એકસ્ટ્રા થાંભલાઓ ઊભા કરવામાં આવે !
***
હાઈ-ટાઈમ છે કે…
લગ્નની આખી ઇવેન્ટ પત્યા પછી આખા મેદાનમાં જે પેપરકપો, પેપરડીશો, તોડેલાં ફૂલો, ગબડેલી ખુરશીઓ, એંઠવાડવાળાં ટેબલો, દાળ ઢોળાયેલા સોફાઓ, ચોળાઈ ગયેલી શેતરંજીઓ અને વેરવિખેર થઈને ફેલાયેલા કચરાની વિડીયોગ્રાફી કરીને ‘સ્વચ્છતા અભિયાન’નો દંડ વસૂલ કરવામાં આવે !
***
હાઈ-ટાઈમ છે કે…
જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવેલી છે ત્યાં સુધી પહોંચવા માટે અને ત્યાંથી પાછા આવવા માટે કાં તો ગમ-બૂટ હોવા જોઈએ અથવા હોડીની વ્યવસ્થા હોવી જોઈએ !
***
હાઈ-ટાઈમ છે કે…
ચાંલ્લાના ટેબલ ઉપર જે QR કોડનું કાર્ડ રાખવામાં આવે છે એવું કાર્ડ બુકે ટેબલોની શરૂઆતમાં પણ હોવું જોઈએ !
***
હાઈ-ટાઈમ છે કે…
વિડીયોગ્રાફરો, ફોટોગ્રાફરો, ફ્રેન્ડો, સગાવ્હાલાંઓ વગેરેનું આખેઆખું ટોળું જ્યારે લગ્નવિધિમાં શું ચાલી રહ્યું છે તે કશું જોવા જ નથી દેતું ત્યારે કમ સે કમ એક કેમેરો એવો રાખો જેનું લાઇવ ટેલિકાસ્ટ મોટા સ્ક્રીન પર થતું હોય !
***
બાકી હાઈ-ટાઈમ છે કે…
ગોર મહારાજોને પણ બ્યુટિ પાર્લરોમાં મોકલવામાં આવે ! કેમકે વિડીયોમાં એ એક જ ડાચું બધી મઝા બગાડી મુકે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment