12 સાયન્સનું રિઝલ્ટ આવી ગયું. વિદ્વાન લોકોએ એનું વિષ્લેષણ પણ કરી નાંખ્યું. જે સ્ટુડન્ટો સારા માર્કે પાસ થયા છે તેમણે પેંડા પણ વહેંચી લીધા. અને જેમનું રિઝલ્ટ બગડ્યું છે એમણે પોતાનું અને બીજાઓનું દિમાગ પણ બગાડી લીધું !
પરંતુ પરિણામો પછી વડીલો જે નોન-સ્ટોપ સવાલો કરે છે એ પ્રશ્નપત્ર હવે શરૂ થાય છે ! જુઓ મોડલ ક્વેશ્ચન પેપર…
***
(1) કેટલા ટકા આવ્યા ?
(2) એટલે, કેટલા પરસેન્ટાઇલ કહેવાય ?
(3) એટલે, પરસેન્ટ અને પરસેન્ટાઇલમાં શું ફરક ?
(4) શેમાં જવાનું વિચાર્યું છે ?
(5) એમાં મળશે ? કે પછી ડોનેશન ?
(6) આ બધી એન્જિનિયરીંગ કોલેજો કેમ બંધ થઈ ગઈ ?
(7) એટલે, એન્જિનિયરીંગની લાઇન જ પતી ગઈ ?
(8) તે હેં ? હવે ચાઇના અને યુક્રેનમાં જઈને ડોક્ટરીનું ભણતા હતા એ પતી ગયું ?
(9) તપાસ કરો ને, ઇજિપ્તમાં કે સિરીયામાં બી મેડિકલમાં મળતું હોય તો ?
(10) એમ તો, આ કોમ્પ્યુટરવાળું સારું નહીં ?
(11) કોમ્પ્યુટરનું કર્યું હોય તો તો ઘરે બેઠાં વર્ક ફ્રોમ હોમની જ નોકરી મળે ને ?
(12) કોમ્પ્યુટરમાં સ્ટડી ફ્રોમ હોમ બી નીકળ્યું હશે ને ?
(13) બધે કોમ્પિટીશન બહુ વધી ગઈ છે ?
(14) કોલેજોની ફી કેટલી બધી વધી ગઈ છે ?
(15) પછી, એજ્યુકેશન લોન જ લઈ લેવાની ને ?
(16) કેટલા ટકા વ્યાજ ગણે છે ?
(17) લોનમાં પર્સેન્ટાઇલ ના હોય ?
(18) અમારા વખતે ક્યાં આવું બધું હતું ?
(19) અમારી ઉપર તો પ્રેશર પણ ક્યાં હતું ?
(20) તમારે લોકોને જલસા છે… મોબાઈલ મળે, કોમ્પ્યુટર મળે, બાઇક મળે, પોકેટમની મળે, કોચિંગ મળે, એસી ક્લાસિસ મળે… અમારી વખતે તો આવું બધું ક્યાં હતું ? હેં ?
(21) ઓલ ધી બેસ્ટ, હોં ?
(22) કંઇ કામકાજ હોય તો પપ્પા જોડે કહેવડાવજે હોં ? આપડે ઘણી બધી ઓળખાણો છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment