કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેક !

છેક પોણી જિંદગી વીતી ગઈ અને માથાના તમામ વાળ ધોળા થઈ ગયા ત્યાં લગી બિચારા ચાર્લ્સભાઈ ‘રાજકુંવર’ તરીકે જીવ્યા !

હવે છેલ્લે છેલ્લે એમનો રાજા તરીકે રાજ્યાભિષેક થયો એમાં પણ કંઈ ઓછી રમૂજ નથી થઈ ! જુઓ...

*** 

એક તો 700 વરસ જુનું સિંહાસન…
ઉપરથી 360 વરસ જુનો રાજમુગટ…
અને 1000 વરસ જુની પરંપરા…

- સાલુ, આ બ્રિટનનો રાજવી પરિવાર છે કે પછી ત્યાં એન્ટિકનો ધંધો ચાલી રહ્યો છે ?

*** 

એન્ટિકનો જ હશે કેમકે…

- જુઓને, રાજા પણ 74 વરસનો છે અને રાણી પણ 75 વરસની છે !

*** 

રાજ્યાભિષેકના સમારંભ વખતે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે કદાચ મોટું વાવાઝોડું આવી શકે છે.

- આના કારણે રાજા ચાર્લ્સ અને રાણી કેમિલા મનમાં ફફડી રહ્યાં હતાં કે ‘ક્યાંક પેલી ડાયેના (પહેલી પત્ની) તો નહીં હોય ને ?’

*** 

આટ-આટલાં વરસ રાહ જોયા પછી છેક 74મા વરસે ચાર્લ્સજીને ગાદી પર બેસવા મળ્યું છે એ વાતથી સૌથી વધુ રાજી કોણ થયું છે, ખબર છે ?

- અડવાણીજી ! 95 વરસે એમની આશા હજી જીવંત છે !

*** 

કહે છે કે આ પ્રસંગે બ્રિટનના હિન્દુ વડાપ્રધાન રિશી સુનકે બાઈબલના એક ચેપ્ટરનું જાહેરમાં પઠન કર્યું હતું.

- જોકે અમારું માનવું છે કે ગીતાનો પાઠ વધુ યોગ્ય રહ્યો હોત ! કેમકે એમાં ચાર્લ્સજી માટે સ્પષ્ટ લખ્યું છે કે ‘ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જવું એ જ તારો ધર્મ છે !’

એટલું જ નહીં, એમાં એવું પણ લખ્યું છે કે ‘જેવા કર્મ કરશો, તેવાં જ ફળ મળશે !’ (કહેવાનો મતલબ એમ કે, આટલી મોડી રાજગાદી કેમ મળે, એવું પૂછવાની જરૂર નથી !)

*** 

બાકી, જુઓને ? જે દેશ મહાન લોકશાહી દેશ હોવાનો ફાંકો રાખે છે એ જ દેશ પોતાના શોભાના ગાંઠીયા જેવા રાજાના રાજ્યાભિષેક પાછળ 125 મિલિયન પાઉન્ડ જેટલી રકમ વાપરી નાંખે છે ! વાહ તમારી લોકશાહી !

***

- મન્નુ શેખચલ્લી

Comments