કર્ણાટકનાં પરિણામો પછી...

કર્ણાટકનાં પરિણામો પછી કોંગ્રેસીઓ તો ગેલમાં આવી ગયા છે પરંતુ ભાજપની છાવણીમાં સન્નાટો છે. આટલી ઓછી સીટો આવશે એવું તો એમનાથી સાવ વિરુદ્ધમાં હોય એવી ન્યુઝ-ચેનલે પણ નહોતું કીધું ! હવે હાલત એવી છે કે…

***  

ભાજપનાં તમામ કાર્યાલયોની કેન્ટિનના મેનુમાં પણ ફેરફારો આવી રહ્યા છે…

મેનુમાંથી ઇડલી, વડા, સાંબાર, ઉપમા, ઉત્તપમ વગેરે વાનગીઓને દૂર કરવાની વિચારણા ચાલી રહી છે.

*** 

થોડા દિવસોમાં કદાચ કર્ણાટકનાં કોઈ છાપાંઓમાં જાહેરખબર જોવા મળી શકે છે કે-

વેચવાની છે લુંગીઓ
માત્ર થોડા જ દિવસો માટે પહેરેલી અને તદ્દન નવા જેવી જ દક્ષિણ ભારતીય લુંગીઓ સસ્તાભાવે કાઢી નાંખવાની છે કેમકે 2024 પહેલં તેની જરૂર પડવાની નથી.

*** 

ભાજપના કાર્યકરો એકબીજાને સાંત્વના આપવા માટે સોશિયલ મિડીયામાં આવા મેસેજો કરી રહ્યા છે :

‘જવા દો ને, સાઉથની ફિલ્મોના તો આજકાલ રિ-મેક પણ નથી ચાલતા..’
‘અને બોલીવૂડના મોટા મોટા મેગા-સ્ટારો પણ ક્યાં સાઉથમાં ચાલે છે ? બહુ ટેન્શન ના લેવું…’
‘સારું થયું… હવે બીજા પાંચ વરસ લગી કન્નડ ભાષા શીખવી નહીં પડે…’
‘જોકે મને થોડો લોસ ગયો. મેં તો કન્નડ ભાષાના ક્લાસિસ પણ જોઈન કરેલા, યાર !’

*** 

ઘટનાઓ પણ વિચિત્ર બની રહી છે. ગઈકાલે દિલ્હીના એક નેતાને કુરિયરમાં એખ મોટું બોક્સ મળ્યું. મોકલનારનું સરનામું બેંગ્લોરનું હતું.

નેતાએ બોક્સ ખોલીને ચેક કરીને, તરત જ મોકલનારને ફોન કર્યો : ‘અરે ભાઈ ! આ દ્રાક્ષ તો ખાટી છે !’
સામેથી જવાબ આવ્યો : ‘બસ… એ જ સાંભળવાનું બાકી હતું !’

***

- મન્નુ શેખચલ્લી

Comments