જુના ડોસા... આજના ડોસા !

જુની પેઢીના ડોસા-ડોશી અને આજની પેઢીના ડોસા-ડોશીઓમા ઘણો ફરક આવી ગયો છે. સૌથી મોટો ફરક તો એ છે કે નવા ડોસા-ડોશીઓ પોતાની જાતને ડોસા-ડોશી નહીં પણ ‘સિનિયર સિટિઝન’ ગણાવે છે !
બીજા પણ ફરક મજેદાર છે...

*** 

એ જમાનાના ડોસાઓ ધોતિયું, પાયજામો, સદરો, ઝભ્ભો પહેરતા હતા અને મંદિરના ઓટલે ભેગા મળીને ભગવાનના ભજન કરતા હતા.

નવા જમાનાના સિનિયર સિટીઝનો તો પેન્ટ, બર્મુડા, ટી-શર્ટ સાથે ગોગલ્સ અને કેપ ઠઠાડે છે... અને સૌ ભેગા મળીને કરાઓકે સિસ્ટમ પર જુનાં ફિલ્મી ગાયનો ગાય છે ! બોલો.

*** 

એ જમાનાની ડોશીઓ સાડલા પહેરીને કથા પારાયણ સાંભળવા જતી હતી.

આજની ઓલ્ડ વિમેન ડ્રેસ, જિન્સ, ટી-શર્ટ વગેરે પહેરીને કિટી પાર્ટીઓ કરવા જાય છે !

*** 

જુના ડોસા-ડોશીઓ વેકેશનમાં અંબાજી, બહુચરાજીથી લઈને બદરીનાથ – કેદારનાથની જાત્રાઓ કરવા જતા હતા. એ પણ બસમાં.

આજના સિનિયરોએ કુલુ-મનાલી તો ક્યારનાં પતાવી દીધાં છે, એમને હવે ફોરેનમાં જ વેકેશન કરવાં છે. (અને ફોરેનવાળા સિનિયરો ઇન્ડિયામાં ફરવા આવે છે !) બોલો.

*** 

જુના ડોસા-ડોશીઓ બિચારા નવરા હોય તો શાંતિથી ભગવાનના નામની માળા જપ્યા કરતા હતા.
તો આજના સિનિયર સિટીઝનો મોબાઈલમાં મોં ખોસીને બેસી રહે છે ! ખાસ ફરક નથી.

*** 

જુના જમાનાના ડોસા-ડોશી એકબીજાને મળે ત્યારે પોતાના દર્દ અને બિમારીની વાતો કરીને હળવા થતાં હતાં.

આજના વડીલો મળે ત્યારે પોતાની બિમારીનો ઇલાજ કરવામાં કેટલા બધા રૂપિયા ખર્ચી નાંખ્યા એવું કહીને જ હળવા થઈ શકે છે !

*** 

જુના વડીલો યુવાનોને વહેલા ઊઠવાની, કસરત કરવાની, હરડે, આંબળાં, ચ્યવનપ્રાશ ખાવાની સલાહો આપતા અને પોતે પણ એવું કરતાં.

જ્યારે આજના વીડલો યુવાનોને યોગા કરવાની, પ્રાણાયમ કરવાની, નેચરલ ફૂડ ખાવાની સલાહ તો બહુ આપે છે પણ પોતે એમાનું કશું કરતા નથી ! બોલો, ખોટી વાત છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments