બ્રિટનના રાજાની બ્રિટિશ જોક્સ !

74 વરસના રાજા ચાર્લ્સનો ભવ્ય રાજ્યાભિષેક થયો એ પછી બ્રિટનની શાણી પ્રજા અંદરો અંદર મીઠી મજેદાર જોક્સ મારી રહી છે ! જુઓ નમૂના...

*** 

કિંગ ચાર્લ્સ-ટુ થઈ ગયા છેક 1685ની સાલમાં… એ પછી હવે આટલાં વરસ પછી કિંગ ચાર્લ્સ-૩ આવ્યા છે

યાર, આ ‘સિકવલ’ બનવામાં જરા વધારે પડતું મોડું નથી થઈ ગયું ?

*** 

ક્વીન એલિઝાબેથ કઈ સેંકડો દેશોના પ્રવાસે ફરી આવ્યા હતાં. પણ કિંગ ચાર્લ્સ કેમ એટલું કરી શક્યા નથી ?

- સિમ્પલ છે. ચેસમાં કિંગ એક જ ડગલું ખસી શકે છે !

*** 

ચાલો, એમના કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેક ધારેલી તારીખે થઈ તો ગયો ? 

બાકી, ઇંગ્લેન્ડમાં એ હાલત છે કે રાજાને આજે ડેન્ટિસ્ટની એપોઈન્ટમેન્ટ લેવી હોય તો છ મહિના પછીની તારીખ મળે એમ છે !

*** 

જુઓને, ઇંગ્લેન્ડની આર્થિક સ્થિતિ કેટલી હદે ખરાબ થઈ ગઈ છે ?

માણસને 74 વરસની ઉંમરે પણ રિટાયરમેન્ટ મળતું નથી ! (એ પણ આખી જુવાનીમાં બેરોજગાર રહેવા છતાં !)

*** 

કિંગ ચાર્લ્સ કરતાં વધુ ફોલોઅર્સ કોના છે ?

- સિમ્પલ, બર્ગર કિંગના !

*** 

કિંગ ચાર્લ્સ પેલા 700 વરસ જુના સિંહાસનનું હવે શું કરશે ?

- એની ઉપર બેસશે !

*** 

જો કિંગ ચાર્લ્સની તાજપોશીના આ ભવ્ય સમારંભમાં 125 મિલિયન પાઉન્ડનો ખર્ચ ના થયો હોત તો શું ફેર પડ્યો હોત ?

- વેલ, ઇંગ્લેન્ડના લોકોએ વીજળીના ત્રણ ગણાં બિલો ના ભરવા પડ્યાં હોત.

- હોસ્પિટલોના ડોક્ટરો અને સ્ટાફને પુરતો પગાર મળી ગયો હતો.

- અને કિંગ ચાર્લ્સને ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ પંદર જ દિવસમાં મળી હોત !

***

- મન્નુ શેખચલ્લી

Comments