આજકાલ લગ્નોની સિઝન ચાલી રહી છે. માણસ લગ્ન કરે છે જ શા માટે ? એની પાછળ કયું લોજિક છે ?
આ લોજિક તો મહત્વનું છે જ ! પરંતુ એ સિવાય પણ અનેક સવાલો લોજિકને લગતા હોય છે ! જેમકે…
***
આવા ઉનાળામાં જ્યાં માણસ ઘરમાં પણ બરમૂડા અને બનિયાન પહેરીને બેસી રહેતો હોય છે એવામાં લગ્નોમાં જતી વખતે આખેઆખા સૂટ અને જોધપુરી કોટ પહેરવા પાછળ…
… કયું લોજિક છે ?
***
આપણે લગ્ન કે રિસેપ્શનમાં એટલા માટે જતા હોઈએ છીએ કે એ બહાને એકબીજાને મળી શકાય. તો પછી લગ્નના હોલમાં અને રિસેપ્શનના પ્લોટમાં મોટા અવાજે મ્યુઝિક વગાડવા પાછળ…
… કયું લોજિક છે ?
***
લગ્નનું મહુરત ઓલરેડી વીતી રહ્યું હોય ત્યારે મોડે મોડે મંડપ પાસે આવેલા જાનૈયાઓ સળંગ દોઢ કલાક સુધી ગરબા ગાતા રહે છે એની પાછળ…
… કયું લોજિક છે ?
***
અમુક વિધિ વિડીયો કેમેરામાં સરળ રીતે ના શૂટ થઈ હોય તો એની એ જ વિધિ બીજી-ત્રીજી વખત કરવા પાછળ…
… કયું લોજિક છે ?
***
અરે, વર-કન્યા જ્યારે એકબીજાને હાર પહેરાવે ત્યારે એકબીજા સામું જોવાને બદલે બન્ને જણાં જિરાફની જેમ ગરદન વાંકી કરીને દાંત બતાડીને કેમેરા સામે જે સ્માઈલો આપે છે, એની પાછળ…
… કયું લોજિક છે ?
***
અને સાચું કહેજો મિત્રો, લગ્ન પતી ગયા પછી વિદાય વખતે માત્ર કન્યા અને કન્યાપક્ષનાં સગાં જ કેમ રડે છે ? આની પાછળ…
… કયું લોજિક છે, એ તો દરેકે દરેક પરણેલા પુરુષને હજી પણ સમજાતું નથી ! બોલો, ખોટી વાત છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment