IPLની મેચો માત્ર કોણ જીત્યું અને કોણ હાર્યું એ જાણવા માટે નથી જોવાની હોતી. (કોણ જીતશે અને કોણ હારશે એનો સટ્ટો લગાડવા માટે પણ નહીં, બોસ !)
IPLની મેચો અમુક ખાસ ચીજો ‘માર્ક’ કરવા માટે પણ જોવા જેવી હોય છે ! જેમકે…
***
તમે માર્ક કરજો કે…
ગ્રાઉન્ડમાં અમુક ફિલ્ડરોનું કામ એટલું જ હોય છે કે જ્યારે પણ કોઈ વિકેટ પડે ત્યારે છેક બાઉન્ડ્રીથી દોડતાં દોડતાં આવવાનું, અને બધાને ઉછળી ઉછળીને હાઈ-ફાઈ તાળીઓ આપવાની ! બસ.
***
તમે માર્ક કરજો કે…
ભલે મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થતો હોય છતાં ડગ-આઉટમાં બેઠેલા અમુક સિનિયર ખેલાડીઓના ચહેરા ઉપરનાં એક્સ્પ્રેશનો એવાં જ હોય છે કે જાણે કોઈનાં બેસણામાં આવ્યા હોય !
***
તમે માર્ક કરજો કે…
અમુક બેટ્સમેનો આઉટ થયા પછી બેટને એ રીતે ફેરવે છે કે જાણે છેક હવે સમજ પડી હોય કે એ બોલને શી રીતે રમવાનો હતો !
***
તમે માર્ક કરજો કે…
કોહલીએ ભલે માંડ પાંચ જ રન કર્યા હોય, એક પણ કેચ ના પકડ્યો હોય છતાં સામેવાળાની વિકેટો પડે ત્યારે એવો ઉછળી ઉછળીને મુઠ્ઠીઓ ઉગામે છે કે જાણે પોતે જ વારાફરતી વર્લ્ડ-કપો જીતી રહ્યો છે !
***
તમે માર્ક કરજો કે…
બીજી બાજુ ધોનીની ટીમના બોલરની સખત ધોલાઈ થઈ રહી હોય, કેચ છૂટી રહ્યા હોય, રન-આઉટ મિસ થઈ રહ્યા હોય, છતાં ધોની-બોસના ચહેરા ઉપર જરાય ફેરફાર થતો નથી !
***
તમે માર્ક કરજો કે…
નેહરા ડગ-આઉટમાં હોય, ગ્રાઉન્ડ પર હોય, કે પ્રેક્ટીસમાં હોય… જ્યારે જુઓ ત્યારે એ સતત ફૂલ ટેન્શનમાં કોઈને ને કોઈને સલાહો આપતો દેખાશે !
***
અને તમે ખાસ માર્ક કરજો કે…
એકશન રિપ્લેમાં જોઈને ડોબામાં ડોબા માણસને સમજ પડે કે આઉટ હતો કે નોટઆઉટ… છતાં એ જોઈને થર્ડ અંપાયર જે ડિસીઝન આપે છે એના એ હજારો રૂપિયા મફ્ફતમાં લઈ જાય છે !
બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment