ફિલ્મ સ્ટારો IPLમાં !?

IPLમાં એક એડ આવે છે જેમાં ફિલ્મ-સ્ટારો અને ક્રિકેટરોની સામસામી ટક્કર થાય છે. પણ જરા વિચારો, જો તમામ ફિલ્મ-સ્ટારોની IPL રમાતી હોય તો ? કલ્પના કરવા જેવી છે..

***
 
સૌથી પહેલાં તો કોઈ ફિલ્મ સ્ટાર ટાઇમ પર આવશે જ નહીં ! (બચ્ચન સાહેબ સિવાય) બધા બે ત્રણ કલાક મોડા આવશે અને આવતાંની સાથે જ મેકપ-રૂમમાં બેસી જશે !

*** 

ટોસ ઉછળી જાય, એક કેપ્ટન ટોસ જીતી જાય પછી અંપાયરને પૂછશે : 

‘અબ આગે ક્યા હોતા હૈ ? સ્ક્રીપ્ટ મેં ક્યા લિખા હૈ?’

*** 

ફિલ્મ-સ્ટાર બોલર હાથમાં બોલ લઈને શાંતિથી ઊભો જ રહેશે ! લોકો અકળાશે તો કહેશે :

‘અરે ભઈ, કોઈ એક્શન તો બોલો ?’

*** 

બોલર બોલ નાંખે તોય સ્ટાર બેટસમેન સાઈડમાં ઊભો ઊભો વાળ સરખા કર્યા કરશે ! ચાર-ચાર બોલ નંખાયા પછી પણ એ હલશે નહીં ! 

જ્યારે પબ્લિક હોહા કરશે તો સ્ટાર સાહેબ કહેશે ‘ડિરેક્ટર કહાં હૈ ? મુઝે કૌન સમજાયેગા કિ મુઝે ક્યા કરના હૈ ?’

*** 

અભિષેક બચ્ચન પહેલાં જ બોલે બોલ્ડ થઈ જશે ! છતાં એ શાંતિથી કહેશે : 

‘કોઈ બાત નહીં, રિ-ટેક લે લો ! ઇસ બાર ઓકે શોટ દૂંગા !’

*** 

તુષાર કપૂર એક જ કેચને જુદી જુદી છ રીતે ડ્રોપ કરશે. પછી કેમેરામેનને કહેશે : 

‘ઇસ મેં સે જો અચ્છા લગે વો રખ લેના !’

*** 

સુપર પરફેક્શનીસ્ટ ગણાતો આમિર ખાન રન-આઉટ થવામાં સાંજ પાડી દેશે ! જ્યાં સુધી પોતે ‘પરફેક્ટ’ રીતે રન-આઉટ ના થાય ત્યાં સુધી એને સંતોષ જ નહીં થાય.

*** 

જોન અબ્રાહમ, સિધ્ધાર્થ મલ્હોત્રા, અર્જુન રામપાલ અને ઇમરાન હાશમી જેવા અડધો ડઝન એકટરો અડધી મેચમાં રીસાઈને ‘પેક-અપ’ કરીને જતા રહેશે !

કેમ ? તો કહેશે : ‘અમારા તો કોઈ ડાયલોગ જ નથી !’

*** 
અને શાહરૂખ ખાન ‘પઠાન’ના ગેટ-અપમાં આવશે, આમતેમ હવામાં બેટ ઘુમાવશે, દાંત ભીંસીને હવામાં મુઠ્ઠી ઉછાળશે, બે ચાર ગુલાંટો ખાશે… અને જતો રહેશે !

જતાં જતાં કહેશે : ‘બાકી સબ VFXમેં દિખા દેના !’

***

- મન્નુ શેખચલ્લી

Comments