આજની નવી જનરેશનને તો ‘પાટલા સાસુ’ કે ‘સાળાવેલી’ જેવી સગાઈમાં કંઈ જ સમજ પડતી નથી. પરંતુ હવે તો આપણને પણ આપણાં સગાં-સંબંધીઓનાં અમુક લક્ષણોનો ત્રાસ થતો હોય છે ! જુઓ…
***
એક તો તમને સત્તર જાતના સવાલો કરશે, પચ્ચીસ જાતની પંચાતો કરશે અને પછી છેલ્લે કહેશે…
‘જવા દો ને ભૈશાબ ! આપણને તો પારકી પંચાતમાં જરા ય રસ નથી !’
***
પુરા પાંચ વરસે તમારા ઘરે આવશે અને તમારાં સંતાનોને જોઈને કહેશે : ‘અરે, તમે તો બહુ મોટાં થઈ ગયા !’
- તો શું એવડા ને એવડા જ રહે ?
***
અરે, બે વરસે માંડ એકાદ વાર વિડીયો કોલ કરશે અને આપણું મોં જોતાની સાથે જ કહેશે : ‘તમે તો દેખાતા જ નથી ને કંઈ ?’
- તો આ વિડીયો કોલમાં શું દેખાય છે, અમારું ભૂત ?
***
તમે ગોવા-મહાબળેશ્વર ફરવા ગયા હો એના ફોટા ફેસબુકમાં જોઈને એને લાઈક પણ કરશે…
પણ પછી જ્યારે રસ્તામાં મળી જશે તો ટોણો મારશે ‘ઓહો ! તમે ગોવા-મહાબળેશ્વર જઈ આવ્યા, ને અમને કીધું ય નહીં ?’
***
અચ્છા એ તો ઠીક, પણ તમે ફોનમાં જસ્ટ ઇન્ફોર્મ કરો કે ‘બે દિવસ પહેલાં નવું બાઈક લીધું…’
તો તરત કહેશે ‘લો, મને કહેવું હતું ને ? તમને સસ્તામાં અપાવત ને ! તમને લોસ થઈ ગયો, બોસ…’
***
બાકી સૌથી ખતરનાક સંબંધી એ છે જે તમારા ઘરે આવીને કહેતા હોય છે કે :
‘વચમાં તમને સ્કૂટર પર જતાં જોયેલા, પણ પાછલી સીટ ઉપર તમારી વાઈફને બદલે કોઈ બીજા બહેન હતાં… જોકે બ્યુટિફૂલ હતાં હોં !’
(પત્યું, હવે એ જાય પછી તમારા ઘરમાં મહાભારત !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment