સમાચારોમાં વઘાર !

આજકાલ એવા એવા સમાચારો આવી રહ્યા છે કે એમાં જરાક વઘાર કરીએ તો સમાચારની લિજ્જત ઓર વધી જાય છે ! જુઓ…

*** 

સમાચાર
NCERTનાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાંથી મુગલ શાસનના પ્રકરણો દૂર કરવામાં આવ્યા.

વઘાર
હવે તમે તાજમહાલની મુલાકાતે જશો તો કદાચ ટુરિસ્ટ ગાઇડ કહેશે કે ‘યે જો હૈ, વો ખુદ દેખ લો, ઇસ કી કહાની ક્યા હૈ, વો હમ નહીં બતા સકતે…’

*** 

સમાચાર
CMOના વધુ એક અધિકારીને દૂર કરવામાં આવ્યા.

વઘાર
પેલા એક કિરણ પટેલને લીધે CMOમાં સફાઈ થવા માંડી ! કેવું કહેવાય, નહીં ?

*** 
સમાચાર
અટલ બ્રિજનો એક મોંઘો પાંચ લેયરવાળો કાચ તૂટી ગયો છે.

વઘાર
આમ જોવા જાવ તો જાહેર બાંધકામોની ‘પારદર્શિતા’ પણ ઘટી જ ગઈ છે.

*** 
સમાચાર
ગુજરાતમાં 100 વરસથી વધુ જુના હોય એવા ડેમોની મજબૂતાઈની ચકાસણી કરવામાં આવશે.

વઘાર
હા, અને 100 વરસથી ટકેલા ડેમો તોડી નાંખ્યા પછી ત્યાં નવા ડેમો બનાવો તો મિનિમમ 10 વરસની ગેરંટી તો જરૂર લખાવી લેજો ! હોં !

*** 
સમાચાર
ગુજરાતની 349 પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં દરેક શાળામાં માત્ર એક જ શિક્ષક છે.

વઘાર
આમેય, 1 થી 3 ધોરણ સુધી તો પરીક્ષા જ ક્યાં લેવાની છે ? પછી 4 અને 5 ધોરણનું પેપર ‘લીક’ થશે તો બધું સંભાળી લેવાશે ! ડોન્ટ વરી.

*** 
સમાચાર
દિલ્હીમાં નવું સંસદ ભવન ‘સેન્ટ્રલ વિસ્ટા’ બંધાઈને તૈયાર થઈ ગયું છે.

વઘાર
જસ્ટ એટલું જ પૂછવાનું કે એમાં સંસદ સભ્યનું માઈક ‘મ્યુટ’ કરવાની વ્યવસ્થા તો છે ને ?

***

- મન્નુ શેખચલ્લી

Comments