આઈપીએલ ક્રિકેટરોનાં માથાં !

હા ભઈ હા, IPLની ટુર્નામેન્ટમાં ક્રિકેટ જગતનાં મોટાં મોટાં માથાં જ ભર્યાં છે ! પણ અહીં વાત માત્ર માથાંની નહીં, એની ઉપર ઉગતા વાળની છે !

યાર, તમે જુઓ તો ખરા… (ભલે મેચો ના જોતા હો, તો પણ જુઓ…) કે આ ક્રિકેટરોએ કેવી કેવી અવળચંડી હેર-સ્ટાઈલો કરાવી છે !

*** 

પેલો લાંબો શુભમન ગિલ નવો નવો આવ્યો ત્યારે કેવો ડાહ્યો-ડમરો દેખાતો હતો ? હવે શી ખબર કોનું જોઈને એણે લમણાં છોલાવી નાંખ્યા છે ! સાવ બબૂચક લાગે છે…

*** 

લમણાં પાસેનાં વાળ છોલાવી નાંખવાનો ચેપ તો લગભગ બધા જ પ્લેયરોને લાગ્યો છે પણ બોસ, જ્યારે ફાફ ડુ પ્લેસીસ, એ બી ડિ’વિલીયર્સ અને ક્રીસ મોરિસ જેવા ઢાંઢાં થઈ ગયેલા પ્રૌઢ વયનાં પ્લેયરો પણ વાળ છોલાવી નાંખે છે ત્યારે કેવા વિચિત્ર લાગે છે !

*** 

પેલો હેટમાયર નામનો ખેલાડી બે વરસ પહેલાં માથામાં જાંબુડી રંગના પીંછાં ચોંટાડ્યા હોય એવું માથું લઈને આવ્યો હતો ! આ વરસે રાજસ્થાનની ટીમમાં છે એટલે કલર મેચિંગ માટે માથે ભડકીલા ગુલાબી રંગના ‘બુઢ્ઢીના બાલ’ ચોંટાડ્યા હોય એવું કરાવ્યું છે ! બોલો.

*** 

પેલો ભારતીય મૂળનો વેસ્ટ ઇન્ડિયન પ્લેયર, સુનીલ નારાયણ ચહેરે મોહરે કેવો ભોળો, શાંત અને સજ્જન લાગે છે ? તોય, એને શું ભૂત વળગ્યું છે તે માથે કાળા રંગનું જાડું દોરડું ચોંટાડ્યું હોય એવા વાળ રાખ્યા છે ! અને બાકીનું સાવ સફાચટ કરાવી નાંખ્યું છે !

*** 

એક રાહુલ ચેહર નામનો બોલર છે. એ તો રીતસર માથાના વાળની ચોટલીઓ વાળીને બોચી પાસે ઝીણી અંબોડી બનાવીને આવે છે ! વાળ પાછળ આટલી માથાકુટ તો કોઈ મહિલા ક્રિકેટર પણ નથી કરતી, યાર !

*** 

અને ભઈ હાર્દિક ! આ શું સાવ હિન્દી ફિલમના ટપોરી જેવો લુક કરીને રાખ્યો છે ? તારા મોટાભાઈને જોઈને તો કંઈ શીખ ? કૃણાલ કેટલો ડાહ્યો લાગે છે !

બાકી, ’70 અને ’80નો શું મસ્ત જમાનો હતો ! બધા ક્રિકેટરો મસ્ત મજાની લીલીછમ વાડી ઉગાડી હોય એવા લાંબી લહેરાતી ઘનઘોર ઘટા જેવા વાળ રાખતા હતા ! શું કહો છો…

***

- મન્નુ શેખચલ્લી

Comments