દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ ભલે પતી ગઈ, પણ હજી બીજાં સ્કુલનાં બચ્ચાંઓની પરીક્ષાઓ બાકી છે. આજકાલ બાળકો ઉપર એક્ઝામનું એટલું બધું પ્રેશર છે કે જો કોઈ પાંચમા ધોરણના બાબલાને એને ફાવે એ રીતે ‘પરીક્ષા’ વિષય ઉપર નિબંધ લખવા કહો, તો એ શું લખે ?
***
આ પરીકસાની સોધ કોણે કરી.
મને જો ભગવાન રસ્તામાં મલી જાય તો પૂછવુ છે કે પરીક્સાની સોધ તમે કેરલી કે આ બધા સર લોકોએ.
પરીક્સા આવે એટલે બધા લોકો બઉ માથુ ખાય છે. પાડોસના અંકલ ને આન્ટી બી આઈ આઈને માથુ ખાય છે. વાચતો નથી. મમ્મી કે છે કે તને સારુ સારુ બનાઈને ખવડાવુ છુ તો બી માર્ક કેમ લાવતો નથી. સારુ સારુ તો પોતે બી ખાય છે એને ક્યાં કોઈ માર્ક આપે છે. બધા દાદાગીરી કરે છે. પણ પરીકસા આપવાની હોય તો ખબર પડે.
પપ્પાને કોઈ દિવસ પરીક્સા આવતી નથી. મમ્મી તો ઇસ્કુલના ગેટથી જ પાછી જતી રે છે. એને બી પરીક્સા આવતી નથી. પોતે અમને બુકમાં જોઈને લેસન લખાવે છે ને મને કે છે કે તુ યાદ રાખતો નથી. તો તમે જ પરીક્સા આપો ને. એટલે ખબર પડે.
આ પરીક્સાની મગજમારી અમારા જેવા નાનાં છોકરાને જ કેમ છે. સ્કુલ વાનવારા મનુકાકાની કેમ કોઈ પરીક્સા લેતુ નથી. બરફગોરા અને દાબેલી વારા કાકાની બી પરીક્સા લો ને. ચોકલેટની દુકાનવારા કાકા બઉ દોડ ડાયા થાય છે. મને કે છે કે બઉ ચોકલેટ ખઇસ તો નપાસ થઈસ. તો એની કોઈ પરીક્સા લો ને.
સ્કુલના ટિચરો ને સરો તો ખાલી ખોટી દાદાગિરી કરે છે. અડધા સરને કંઈ આવડતું નથી. ગુજરાતીના સરને મેથ્સનો દાખલો પૂછીએ તો કે છે મને નઈ પૂછવાનું. કેમ ? કેમ કે ગુજરાતીના સરને મેથ આવડતુ જ નથી. તો ગુજરાતી-સરની મેથની પરીક્સા લો ને. નાપાસ થાય તો સ્કુલના નોટિસ બોડ પર લખો. એટલે બધાને ખબર પડે.
બારમાના સરને ચોપડીમાં જોઈને બી દાખલા આવડતા નથી. તો બી બીજાના માર્ક કાપી લે છે. હિન્દી મેડમને ઇગ્લીસના સ્પેલીંગ આવડતા નથી. બધુ ખોટુ ખોટુ લખે છે. તો મેડમને દસ દસ વાર સ્પેલિંગ લખવાનું લેસન કેમ નથી આપતા. છાપામા તો ગુજરાતીની જોડણી બી ખોટી હોય છે. તો બીજા દિવસે છાપામાં દસ દસ વાર કેમ નથી લખતા.
દસમા બારમાની પરીક્સાના પેપરમા જ ભૂલો હોય છે. તો પેપર કાઢનાર સરના માર્ક કેમ નથી કાપતા. એમને દસ દસ વાર ભૂલ સુધારીને અંગૂઠા પકડવાની સજા કેમ નથી કરતા. એવી સજા કરીને ટીવીમાં બતાડે તો ખબર પડે.
કાલે પપ્પા ટીવી જોતા જોતા કેતા તા કે આ મોદી બી ખોટુ બોલે છે ને રાહુલ બી ખોટુ બોલે છે. તો મે કીધુ એમને હવે સ્કુલમાથી કાડી મુકસે ? તો કે ના. એમને કોઈ કાડી ના સકે.
કેમ ના કાડી સકે ? અમે ક્લાસમાં ખોટુ બોલીએ તો પિન્સીપાલ પાસે લઈ જાય છે. ક્લાસમાં તોફાન કરીએ તો મમ્મી પપ્પાને બોલાવાનું કઈને બીવડાવે છે. પણ મોટાઓને કેમ કોઈ નથી કેતુ.
વચમાં ટીવીમાં લોકસભાનો ક્લાસ બતાડતા તા. એમાં અડધો ક્લાસ તો ગેરહાજર હતો. જે હતા એમાથી અડધા ઊંઘી ગયા તા. પછી અચનક બધાએ બઉ ધમાલ કરી. તોફાન કર્યા. સરનુ કોઈ સાંભળતુ જ નોતુ. તો બી એમના મમ્મી પપ્પાને બોલાઈને કસુ કેતા નથી.
બધા અમને જ કેમ હેરાન કરે છે. અમે નાના છીએ એટલે ને. મને એકવાર મોટો થઈ જવા દો. પછી હું બી બધાની પરીક્સા લઈસ. પુલ બનાવાની પરીક્સા આપો. પુલ તૂટી જાય તો દસ દસ વાર ફરી બનાવો. રોડમાં ખાડા પડી જાય તો નાપાસ. પાસ થવું હોય તો બધા ખાડા દસ દસ વાર જાતે પુરો. પછી જ પાસ.
મે આવુ કીધું એટલે પપ્પા કે, બેટમજી એક વાર મોટો થઈસ પછી ખબર પડસે. મે કીધુ સુ ખબર પડસે. તો કે, મોટા થઈ ગયા પછી પોતાનાથી મોટા લોકો આગળ કોઈની દાદાગીરી ચાલતી નથી. એટલે જ બધા નાના નાના છોકરાંઓ ઉપર દાદાગીરી કરે છે. આ દુનિયાનો નિયમ છે.
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment