હજી તો એપ્રિલ પત્યો નથી ત્યાં તો ઉનાળો 40 ડીગ્રીને પાર કરવા લાગ્યો છે. આવામાં શેકાતાં સામાન્ય માનવીને જીવનનાં અંતિમ સત્યો સમજાવા લાગે છે…
***
જેણે ગયા જનમમાં પૂણ્યનાં કામો કર્યાં હશે એને જ આ જનમમાં આવા ઉનાળામાં એરકંડીશન ઓફિસમાં…
- પટાવાળાની નોકરી મળી છે !
***
તમે લખી રાખજો…
ફ્રીજમાંથી ઠંડા પાણીના બાટલા કાઢીને પી લીધા પછી જેણે જેણે ખાલી બાટલા ભરીને પાછા નથી મુક્યા…
- એને આવતા જનમમાં દારૂની બાટલી સાથે સોડાની બાટલી કદી ઠંડી નહીં મળે !
***
યાદ રહે…
બગડેલા એસીવાળી કેબિનમાંથી બહાર આવી રહેલો બોસ…
અને ભરબપોરના તડકામાંથી ઘરે આવી રહેલી પત્ની…
- આ બંને જોડે ફાલતુ માથાકુટ કરવી નહીં !
***
આ ઉનાળામાં પોતાના ‘પરસેવા’ની કમાણી કોણ ખાય છે ?
બે જ જણ…
એક, ભરબપોરે ટ્રાફિક પોલીસની ડ્યુટી બજાવતો ઇમાનદાર કર્મચારી
અને બીજો, બેકરીની ભઠ્ઠી પાસે પગ વડે પાંઉનો લોટ બાંધનાર કારીગર !
***
કર્મ કોઈને છોડતું નથી…
આજે સૌથી કમનસીબ માણસ એ છે જેને ચા હંમેશા ઠંડી મળે છે અને પીવાનું પાણી ગરમ !
***
આજે ગમે એટલા પૈસા હોયતો પણ શું કામના ? જો…
ચીલ્ડ એસીમાં બેઠા હોવા છતાં તમારું દિમાગ ગરમ થઈ જતું હોય !
***
અને આભાર માનો મ્યુનિસિપાલિટીનો…
- કે તમારી પાસે ગરમ પાણીનો એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી !
***
બાકી, ઈશ્ર્વરની સિસ્ટમ ઉપરથી ભરોસો ઊઠી જાય જ્યારે…
- રસ્તા ઉપર ભરતડકામાં કોઈ મજૂર સાઈકલ રીક્ષા ખેંચીને ઢાળ ચડી રહ્યો હોય અને એના કેરિયરમાં ડીલીવરી માટે નવું એસી ગોઠવેલું હોય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment