સોશિયલ મિડીયામાં ફરતી અમુક ‘પ્રેરણાત્મક’ વારતાઓમાં મારી-મચડીને બોધ ફીટ કરવામાં આવતો હોય છે ! પરંતુ રિયાલીટી ઘણી અલગ હોય છે ! વાંચો…
***
એક વિધવા મહિલા હતી.
બિચારી બહુ ગરીબ હતી. માંડ માંડ ગુજરાન ચલાવતી હતી.
એક દિવસ એને ત્યાં એક સેલ્સમેન આવીને કહેવા લાગ્યો, ‘બહેન મારી એકાદ પ્રોડક્ટ તો ખરીદો… દસ દિવસથી કશું જ વેચાયું નથી…’
બહેને તેને ઘરમાં બોલાવીને એક ગ્લાસ દૂધ પીવડાવ્યું અને કહ્યું કે ‘મારી પાસે કંઈ ખરીદવાના પૈસા નથી પણ આનાથી તને સહારો મળશે.’
વરસો વીતી ગયાં. એ પછી મહિલા જ્યારે વૃદ્ધ બની ગઈ ત્યારે બિમારી અને અશક્તિના કારણે એક દિવસ બેહોશ થઈ ગઈ.
ભાનમાં આવીને જોયું ત્યારે તે એક ભવ્ય હોસ્પિટલમાં હતી. આશ્ચર્યની વાત એ હતી કે તેની ટ્રિટમેન્ટ કરનારો ડોક્ટર એ જ યુવાન હતો જેને તેણે એક ગ્લાસ દૂધ આપ્યું હતું !
છ દિવસ પછી વૃદ્ધા જ્યારે સાજી થઈ ગઈ ત્યારે હોસ્પિટલ છોડતાં પહેલાં તેણે એક લાખ રૂપિયાનું બિલ ભરવાનું હતું.
બિચારી પાસે એટલા બધા પૈસા તો ક્યાંથી હોય ? તે સખત મુંઝાઈ રહી હતી.
તેને અહીં હોસ્પિટલમાં પહોંચાડનારા પણ આજે દેખાતા નહોતા. આખરે તે રૂમ છોડીને નીચે બિલ કાઉન્ટર ઉપર ગઈ ત્યારે બિલ જોઈને તેના આશ્ચર્યનો પાર ના રહ્યો !
જી હા…!
બિલ તો એક લાખ રૂપિયાનું જ હતું !
પરંતુ…
નીચે એક નોંધ લખી હતી કે...
આ બિલમાંથી 1000 રૂપિયા ડોક્ટર સાહેબે ભરી દીધા છે કેમકે સારવાર દરમ્યાન તમને 1000 રૂપિયાનું, 10 ગ્લાસ દૂધ આપવામાં આવ્યું હતું !
જોયું ? કરેલાં સત્કર્મો ક્યારેય એળે જતાં નથી !
(હવે બોધ વાંચો)
સાચા બોધ :
(1) જો તમે એમ માનતા હો કે કોઈને એક ગ્લાસ દૂધ આપીને તમે 1 લાખ રૂપિયાની સારવાર મફતમાં કરાવી લેશો તો તમે ભ્રમમાં છો.
(2) એક ગ્લાસ દૂધની કિંમત ભલે 100 રૂપિયા હોય પણ મેડિકલ કોલેજની ફી વરસના બે ત્રણ લાખ રૂપિયા હોય છે. એક ગ્લાસ દૂધ વડે કોઈ ડોક્ટરના બની શકે.
(3) છતાં, ઘરે જેટલા સેલ્સમેન આવે તેને એક એક ગ્લાસ દૂધ આપવાનું ચાલું રાખો… મેડિક્લેમની આ નવી સ્કીમ નીકળી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment