સવાર સવારના અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ સમાન રણઝણસિંહ અમને રસ્તામાં મળી ગયા. મને કહે :
‘અલ્યા મન્નુડા, આંયાં ક્યાં ફરવા હાલી નીકળ્યો છે ?’
મેં કીધું. ‘અમારા એરિયામાં નવો ફ્લાય ઓવર બનવાનો છે. એ મારી સોસાયટીની પાંહેથી જ પસાર થાશે અટલે આ એરિયામાં નવું ઘર ગોતી રહ્યો છું.’
‘નવું ઘર ? કાં નવું ઘર ?’
‘કેમ કે જુના ઘર ઉપર નવો પુલ ક્યારે તૂટી પડે એની કાંઈ ગેરંટી જ નંઈ ને ?’
રણઝણસિંહ ખડખડ હસવા લાગ્યા. ‘મન્નુડા, હવેથી નવા પુલને ‘પૂલ-ડાઉન’ કરવા હાટું જ બાંધવામાં આવશે !’
‘પૂલ-ડાઉન ? એટલે તોડી પાડવા માટે ?’
‘હાસ્તો ? આપણે કાંઈ અંગ્રેજો થોડા છઈએ કે અમદાવાદના એલિસબ્રિજ અને ભરૂચના ગોલ્ડન બ્રિજની જેમ 100 વરસ લગી હાલે એવા પુલો બનાવીએ ?’
‘હદ થાય છે. પેલો હાટકેશ્વરનો પુલ 14 કરોડમાં બન્યો હતો. ચાર વરસ પછી એને તોડી પાડવાનો ખર્ચો ય નાંખી દેતાં 4 કરોડ થાશે. તો એટલા રૂપિયા લાવવા ક્યાંથી ?’
‘ટોલ-ટેક્સમાંથી !’
‘અચ્છા !’ અમે કટાક્ષમાં કીધું ‘પેલા હાઈવે ઉપરનો નર્મદા નદીનો ખખડી ગયેલો બ્રિજ 40-40 વરસ લગી નવો ન બાંધ્યો અને જુના ઉપરથી પસાર થવા માટે ટોલ-ટેક્સ લેતા હતા, એ જ રીતે ને ?’
‘તું અમથો ગુસ્સે થઈ જાય છે મન્નુડા.’ રણઝણસિંહ બોલ્યા. ‘હવે વાહનનો નહીં, સહેલાણીનો ટેક્સ દેવો પડશે. એક કલાકના 60 રૂપિયા.’
‘મતલબ કે 1 મિનિટનો રૂપિયો ! શેના માટે ?’
‘ટૂરિઝમ માટે ! લોકો બ્રિજો ઉપર ટહેલવા આવશે ! સેલ્ફીયું લેશે ! ચા-નાસ્તો કરશે… વિકાસ જ વિકાસ !’
અમે હવે છંછેડાયા. ‘હાટકેશ્વર જેવા બ્રિજ ઉપર લોકો સેલ્ફીયું લેવા શા માટે આવે ?’
‘કારણ કે ઈ ઝુલતો પુલ હશે !’
‘ઝુલતો પુલ ?’
‘હા ! પહેલા જ દિવસથી એટલો તકલાદી હશે કે ઇ ઝુલતો જ હશે !!’
હું માથું ખંજવાળવા લાગ્યો. સાલું, હું આટલા વરસોથી શેખચલ્લીવેડા કરું છું તો મને આવું કેમ ના સુઝ્યું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment