ચીનને 'પછાડીને' ૧૪૩ કરોડ !

લો, ભારતની વસતી હવે ચીન કરતાં પણ વધી ગઈ. ભારત આખી દુનિયામાં નંબર વન થઈ ગયું… કમ સે કમ વસ્તીના મામલે ! પરંતુ આની સાથે અમુક રમૂજી વાતો પણ થઈ રહી છે…

*** 

પહેલી વાત તો એ કે શું આપણે ચીનને ‘પછાડીને’ નંબર વન બની ગયા ?
- મતલબ કે આપણા ઇન્ડિયનો ચીનમાં એ લોકોને ‘પછાડવા’ ગયા હતા ?

*** 

બીજી વાત એ પણ સાબિત થઈ ગઈ કે ‘ભગવાન જેને દાંત આપે છે એને BPL કાર્ડ પણ આપે છે !’

*** 

ત્રીજું, સરકારે હવે એ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ કે ભારત મોટો નિકાસકાર દેશ બની શકે છે...
જાપાન જેવા દેશોમાં જ્યાં બાળકોને પેદા કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યાં આપણાં ભારતીય કપલ્સને મોકલી આપવાં જોઈએ !

*** 
આ નવા રેકોર્ડ સાથે ભારતે અન્ય વર્લ્ડ-રેકોર્ડની નોંધણી કરાવવામાં ઉતાવળ કરવી જોઈએ. જેમકે…

- ભારતમાં સૌથી વધુ ‘નવરાઓ’ છે… (કેમ કે સૌથી વધુ મોબાઈલ-ધારકો છે.)

- અને ભારતમાં સૌથી વધુ ‘બિઝી’ લોકો પણ છે. (કેમકે સેઇમ રીઝન… અહીં સૌથી વધુ લોકો મોબાઈલમાં ‘બિઝી’ છે.)

*** 
હજી રાહ જુઓ… ભારતમાં ‘ભણેલા’ લોકોની સંખ્યાનો પણ વર્લ્ડ રેકોર્ડ થશે !
- કેમકે શિક્ષણના ધંધાનું ભારતીય બજાર ઓલરેડી 1890 લાખ કરોડનું તો છે જ.

*** 

અરે, ભારતમાં ‘ઇંગ્લીશ’ બોલનારા લોકોની સંખ્યાનો પણ વર્લ્ડ રેકોર્ડ થશે !
- ખાસ કરીને રાતના 8 PM પછી ગણત્રી કરવામાં આવે તો !

*** 

બસ, એક વાર સરકાર દિવાળી ટાઈમનાં થોડાં નિયંત્રણ હટાવી લે…
… તમે જોજો, ભારત સૌથી વધુ વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો વર્લ્ડ-રેકોર્ડ કરી બતાડશે !

(યુક્રેન યુદ્ધવાળા પણ વિચારમાં પડી જશે !)

***

- મન્નુ શેખચલ્લી

Comments