ચાલો, ચાર સવાલોના જવાબ આપો…
(1) રિફ્લેક્ટર ઉપર પડતાં સૂર્યનાં કિરણથી એવું તે શું બન્યું કે અભિનેતા જીવનની આખી કેરિયર બદલાઈ ગઈ ?
(2) જે એક સીન અગાઉ એક સુપરસ્ટાર સાથે ભજવ્યો હતો ડીટ્ટો સેઈમ સીન ૨૫ વરસ પછી બીજા સુપરસ્ટારે શી રીતે ભજવ્યો ?
(3) એવું તે શું થયું કે જીવનને કોઈ પ્રેક્ષકનું જુતું ખાવું પડ્યું ?
અને (4)..
પુરાણકથાઓના એક જ નામના એક જ પાત્રને જીવને કેટલી વાર પરદા ઉપર ભજવ્યું છે ?
છેલ્લા સવાલનો જવાબ સહેલો પણ છે અને અઘરો પણ છે. સહેલો એટલા માટે કે જુની ફિલ્મોના રસિયાઓ જો તીણા અવાજમાં માત્ર બે જ શબ્દો સાંભળે કે ‘ના…રાયણ ! ના… રાયણ !’ તો તરત યાદ આવી જાય કે આતો નારદજી બનતા અભિનેતા જીવન ! પરંતુ તેઓ નારદજી કેટલીવાર બન્યા ? ખુદ જીવન ઉર્ફે ઓમકારનાથધર ભૂલી ગયા હતા. ગૂગલકાકા પણ ક્યાંક 49 તો ક્યાંક 60નો આંકડો બતાવે છે.
હવે પહેલા સવાલ ઉપર આવીએ તો એ વાત એમ હતી કે શ્રીનગરમાં જન્મેલા (1915) ઓમકારનાથની માતા પ્રસૂતિ વખતે જ મૃત્યુ પામ્યાં હતાં અને 3 વરસની ઉંમરે પિતાજી પણ સ્વર્ગે સીધાવ્યા હતા. છતાં એમનો પરિવાર સમૃદ્ધ હતો.
એમના દાદાજી તે સમયે અંગ્રેજ રાજમાં ગિલગિટ પ્રાંતના ગવર્નર હતા. જન્મે કાશ્મીરી પંડિત હોવાને કારણે ઘરમાં શિક્ષણના સંસ્કારો તો હતા જ. પણ ઓમકારનાથને ફોટોગ્રાફીમાં રસ પડ્યો હતો. કોલેજનું સેકન્ડ યર પત્યા પછી ખિસ્સામાં 26 રૂપિયાની માતબર રકમ લઈને તે મુંબઈ સીધાવ્યા.
જોકે અહીં કંઈ બીજા આવારા છોકરાઓની જેમ ભૂખ્યા તરસ્યા નહોતું રહેવાનું ! કેમકે એમના એક મોટાભાઈ મુંબઈમાં જ ઠરીઠામ થયા હતા. એમની ઓળખાણ તે સમયના જાણીતા ગીતકાર D. L. મધોક સાથે હતી. એટલે મધોકજીએ ઓમકારનાથને એક ફિલ્મ સ્ટુડિયોમાં ટ્રેઈની તરીકે ગોઠવી દીધા.
હવે નસીબના ખેલ જુઓ. ભાઈને શીખવો હતો મુવી કેમેરાનો કસબ, પણ એ જમાનો એવો હતો કે મુખ્ય કેમેરામેનો તેના પાંચમા નંબરના આસિસ્ટન્ટને કેમેરો પકડવા પણ દેતા નહોતા. આવામાં ઓમકારને તો કેમેરાને હાથ પણ લગાડવા મળે તેમ નહોતું. છતાં આ ગ્લેમરની દુનિયામાં મજા પડી રહી હતી.
દોઢ મહિનો તો આમ જ ગયો, એક દિવસ પહેલા સવાલમાં લખ્યું છે તેમ, સૂર્યના કિરણ વડે તેમનું નસીબ પલટાવાનું હતું ! તે દિવસે કામ સોંપાયું કે પ્લાયવૂડના પાટિયાં ઉપર સિલ્વર કલરના મોટા કાગળિયાં ચોંટાડીને સૂકવીને, રિફ્લેક્ટરો તૈયાર કરો ! કામ ફટાફટ પતાવવા માટે તેણે રિફ્લેક્ટરોને છાંયડામાં રાખવાને બદલે તડકામાં જ ગોઠવી દીધાં.
આવા ફાલતુ કામથી કંટાળેલા ભાઈ સાહેબ સ્ટુડિયોના એક ઝાડ નીચે પોરો ખાવા ગયા. ત્યાં જોયું તો અમુક નવા કલાકારોનું રિહર્સલ ચાલી રહ્યું છે. આ એક જાતનું ઓડિશન પણ હતું કેમકે જે સરખું બોલે તેને જ નાનો મોટો રોલ મળવાનો હતો.
ઓમકારને ત્યાં ઊભેલો જોઈને દિગ્દર્શકે તેને પણ ડાયલોગ બોલવા કહ્યું. ઓમકારે કહ્યું કે ‘સાહેબ, હું તો કેમેરા આસિસ્ટન્ટ છું. અહીં છાંયડો ખાવા ઊભો છું.’ આમ છતાં દિગ્દર્શકે કહ્યું ‘જેવો આવડે એવો સંવાદ બોલી બતાડ’.
હવે ઓમકારનાથે પોતે કોલેજમાં જે પંડિત નારાયણ પ્રસાદ ‘બેતાબ’ દ્વારા લિખિત 'મહાભારત' નાટકમાં દૂર્યોધનનો રોલ ભજવ્યો હતો તેની લાઈનો કડકડાટ બોલવા માંડી ! આ એ દ્રશ્ય હતું જ્યાં દૂર્યોધન ગદાના પ્રહારથી ઘાયલ થયો છે અને પીડા સાથે અન્યાયની ફરિયાદ કરી રહ્યો છે.
સંવાદો તો જોરદાર હતા પણ પેલું રિફ્લેક્ટર ક્યાંથી આવ્યું ? તો બન્યું એવું કે ચડતા સુરજનો એંગલ બદલવાથી તેના કિરણો આ કિરણકુમારના પપ્પાની આંખો ઉપર પડી રહ્યાં હતાં ! એમાં ને એમાં એની એક આંખ ઝીણી થઈ ગઈ અને અંદરથી આંસુ પણ ટપકવા લાગ્યું ! આ જોઈને દિગ્દર્શક ફિદા થઈ ગયા ! અને એ જ ક્ષણે એમને પહેલી જ ફિલ્મમાં રોલ મળી ગયો ! ફિલ્મ હતી ‘ફેશનેબલ ઇન્ડિયા’ (1935) અને દિગ્દર્શક હતા મોહન સિંહા (જે વિદ્યા સિંહાના દાદા થાય.) બોલો, છે ને અજીબ દાસ્તાન ?
હવે સવાલ બીજો… તો દોસ્તો, 1960ની ‘કોહીનૂર’ જોઈ લો, અને 1985ની ‘મર્દ’ જોઈ લો ! બન્ન્નેમાં સેઈમ સિચ્યુએશન છે કે વચ્ચેથી અરીસો સરકીને નીચે જતો રહે છે અને સામે ઝડપાઈ ગયેલો હીરો નશામાં ધૂત થયેલા વિલનની અદ્લો અદ્દલ નકલ કરીને ઉલ્લુ બનાવવાની કોશિશ કરે છે કે વચમાં અરીસો છે ! ‘કોહીનૂર’માં દિલીપકુમાર હતા અને ‘મર્દ’માં અમિતાભ બચ્ચન. બન્ને સીન જોવા માટે યુ-ટ્યુબ ઉપર જઈને તેની મોજ માણવી !
ત્રીજા સવાલના જવાબમાં એવું છે કે એક શો માટે જીવન બહારગામ ગયા હતા ત્યારે રેલવે સ્ટેશન પર ઉતરતાં જ એક મહિલાએ તેમને જુતું માર્યું હતું કેમકે એ બહેન એમની ફિલ્મો જોઈને એમ માની બેઠાં હતાં કે આ માણસ તો બહુ જ ‘ખરાબ’ છે ! અભિનેતા જીવને ત્યારે કહ્યું હતું કે ‘આ જુતું મારે માટે કોઈ ઇનામની ટ્રોફીથી કમ નથી.’ બોલો.
જીવનના જીવનમાં અગાઉ જોયું તેમ 'કિરણ'નું બહુ મહત્વ હતું. પણ વાત રિફ્લેકટરથી આવેલા કિરણથી અટકતી નથી. એમનાં લગ્ન જેની સાથે થયાં તેનું નામ પણ કિરણ હતું ! અચ્છા, આગળ જતાં એમણે એક બંગલો લીધો એનું નામ રાખ્યું હતું 'જીવન- કિરણ' ! એમને બે પુત્રો થયા જેમાંથી ભૂષણ નામનો દિકરો ફિલ્મોમાં ન ચાલ્યો પણ 'કિરણ' નામનો કિરણકુમાર ચાલી ગયો.
જીવન હંમેશા એમનાં પુત્રોને કહેતા કે સેટ ઉપર તમે ખુરશીમાં બેઠા હો તે વખતે જો ત્યાં તમારા ડિરેક્ટર અથવા કેમેરામેન આવે તો માન ખાતર ખુરશી ખાલી કરી આપવી. કેમકે તમે પરદા ઉપર જે કંઈ બનીને વાહ વાહ કમાઓ છો તેની પાછળ આ બે જ વ્યક્તિઓ છે.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Wah....!!
ReplyDelete