હવે ટ્વીટરના છ્યાસી હજાર !?

લો, એલન મસ્ક હવે નવું લાવ્યા છે ! કહે છે કે જો રાજકીય પાર્ટીઓને ટ્વિટરમાં બ્લુ-ટીક જાળવી રાખવી હોય તો વરસે 86000 રૂપિયા ભરવા પડશે !

આ સાંભળીને પાર્ટીના નેતાઓમાં કેવો ગણગણાટ ચાલતો હશે ?...

*** 

કોઈ નેતા ચીડાયા હશે. કહેતા હશે ‘અબે, છ્યાંસી હજાર તો હોતા હશે ? એટલા રૂપિયામાં તો નાના રાજ્યનો ધારાસભ્ય પક્ષપલટો કરીને આવી જાય !’

*** 

બીજા કોઈ નેતા દાંત કચકચાવીને મેસેજ કરવાના મૂડમાં હશે કે ‘ઓ એલનભાઈ, અમે અહીં ડોનેશન ઉઘરાવવાનું કામ કરીએ છીએ, કંઈ ડોનેશનો આપવા નથી બેઠા !’

*** 

એકાદ શાણા નેતા પોતાના બ્લુ-ટીક વિનાના એકાઉન્ટમાં ટ્વિટ કરવાનું વિચારતા હશે કે :
‘પૈસા ? પૈસા ભરવાના ? મને તો એમ હતું કે લોકશાહીમાં FREE SPEECH હોય છે !’

*** 

અમુક નેતાઓ ભાવની રકઝક કરવાના મૂડમાં હશે ! એ મસ્કને મેસેજ કરશે :
‘જુઓ સર, અમે તો રાષ્ટ્રિય પાર્ટી પણ નથી… તો સ્હેજ ઓછું કરો ને ?’

*** 

અમુક એવા લોકો, જેણે પોતાના બ્લેક મનીને વ્હાઈટ કરવા માટે જ રાજકીય પાર્ટીઓ ખોલીને બેઠા છે, તેઓ પોતાના CAને ફોન કરતા હશે :
‘સાહેબ, હવે આ 86,000 રૂપિયા હિસાબમાં શી રીતે બતાડીશું ? પૈસા ભરવા છતાં બ્લુ-ટીક મળી નથી એવું બહાનું ચાલશે ?’

*** 

જ્યારે અમુક પાવરફૂલ પાર્ટીના પાવરફૂલ નેતા ગુસ્સામાં આવીને દાંત ભીંસતા હશે :
‘હદ થાય છે… આજે આ માણસ પૈસા માગે છે. કાલે મંત્રી પદ માગશે અને પરમ દિવસે કહેશે કે મને બસ્સો પાંચસો કરોડનો કોન્ટ્રાક્ટ અપાવો….’

*** 

જોકે એકાદ પાર્ટી તો સામી ઓફરમાં કંઈ જુદું જ કહેશે ! એમની પ્રપોઝલ કંઈક આવી હશે :
‘મંજુર ! પણ અમારી પાર્ટી સિવાય કોઈનું ટ્વિટર સરખું ચાલવું  જ ના જોઈએ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments