એકાદ ફિલ્મમાં તો બતાડો... !

ફિલ્મોમાં તો બધું ફિલ્મી જ બતાડે છે પરંતુ અમારી રિક્વેસ્ટ છે કે એકાદ ફિલમમાં તો રિયાલીટી બતાડો ? દાખલા તરીકે…

*** 

એકાદ ફિલ્મમાં તો બતાડો…
કે ઇન્ડિયામાં મર્ડરો કરીને ભાગી ગયેલો વિલન જઈને છેક મોરેશિયસમાં બેઠો હોય તેને મારવા માટે મેરઠનો હીરો સૌથી પહેલાં તો બિચારો પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ કઢાવવા માટે લાઈનમાં ઊભો હોય !

*** 

એકાદ ફિલ્મમાં તો બતાડો…
કે છેક ૨૦૦૭માં આવેલી કોઈ ફિલ્મમાં જે ઇન્સ્પેક્ટરે 67 ગુંડાઓને ગોળીઓ, હેન્ડગ્રેનેડો અને રોકેટ લોન્ચરો વડે મારી નાંખ્યા હોય…
… એનો ‘ફેક એન્કાઉન્ટર’નાં કેસ 2024માં આવનારી સિક્વલમાં હજી ચાલતો હોય !

*** 

એકાદ ફિલ્મમાં તો બતાડો…
કે યુરોપના કોઈ હાઈ-ફાઈ શહેરમાં 250ની સ્પીડે ભાગી રહેલા ઇન્ટરનેશનલ વિલનનો પીછો કરવા માટે ઇન્ડિયાના જે સિક્રેટ એજન્ટે 260ની સ્પીડે કાર ચલાવી હોય…
… એનો જે લાખો યુરોનો દંડ થયો હોય તે રકમ દિલ્હીની હેડ-ઓફિસે ભરી જ ના હોય ! જેના કારણે બિચારો હીરો યુરોપની કોઈ જેલમાં સડતો હોય !

*** 

એકાદ ફિલ્મમાં તો બતાડો…
કે ઇન્ડિયાના હીરો હીરોઈનો ફોરેનની સડકો ઉપર ગાયનો ગાવા માંડે ત્યારે પેલી વિદેશી ડાન્સરો તો ડાન્સ કરવા આવી જ પહોંચે છે. પણ…
જેવું ગાયન ખતમ થાય કે તરત જ એ ડાન્સરો હીરો હીરોઈન પાસે પૈસાની માગણી કરતી હોય !

*** 

અને એકાદ ફિલ્મમાં તો બતાડો…
કે શોમાં જેમાં પ્રોડ્યુસર પોતે પરદા ઉપર આવીને મિડીયાને રિક્વેસ્ટ કરતો હોય કે ભૈશાબ, મારી ફિલ્મનો કોઈ એકાદ વિવાદ તો ચગાવો ?

- નહિતર હું તો બરબાદ થઈ જઈશ !

***

- મન્નુ શેખચલ્લી

Comments