ધન્ય છે આ લગ્નોત્સવ !

આવા ધરખમ ઉનાળામાં જે લગ્નો થાય છે એમાં વરરાજા સિવાય પણ ઘણા લોકો અભિનંદનને પાત્ર હોય છે ! જેમકે…

*** 

ધન્ય છે એ શૂરવીરો…
જેને આટલા ખતરનાક ઉનાળાની સિઝનમાં ભરબપોરે ડામરની સડક ઉપર ‘નાગિન’ ડાન્સ કરવાનું શૂર ચડે છે !

*** 

ધન્ય છે એ દિલફેંક ઓરકેસ્ટ્રાવાળો....
જે બરોબર કન્યાના મંડપ પાસે જાન પહોંચે ત્યારે ઊંચા અવાજે લલકારે છે : ‘તૂં ઔરોં કી ક્યું હો ગઈ ?’

*** 

ધન્ય છે એ મહિલાઓ અને કન્યાઓ…
જે આવી ગરમીમાં અતિશય પરસેવાને લીધે મેકપ ધોવાઈ જવાના જોખમો જાણતાં હોવા છતાં જાનમાં ઉછળી ઉછળીને નાચે છે !

*** 

ધન્ય છે એ યુવાનો…
જે આ કન્યાઓ અને યુવતીઓના મેકપ ધોવાઈ ગયા હોવા છતાં એમની ઉપર ચાલુ વરઘોડે લાઈનો મારે છે !

*** 

ધન્ય છે એ ધીરજવાનો…
જે નાચી નથી શકતા, નાચવા માગતા પણ નથી, છતાં દોઢ-દોઢ કલાક સુધી નાચી નાચીને જાનને રોકી રાખનારા નચણિયાઓને શાંતિથી જોતા રહીને સહનશક્તિનું પ્રદર્શન કરે છે !

*** 

ધન્ય છે એ પાચનશૂરાને…
જેઓ માત્ર 101 રૂપિયાનો ચાંલ્લો કરીને 1001 રૂપિયા જેટલું ભોજન જમી જાય છે ! એટલું જ નહીં, જમી લીધા પછી ખબર પડે કે જ્યાં લાઈવ ઢોંસાનું કાઉન્ટર હતું ત્યાં હવે લાઈવ જલેબીનું કાઉન્ટર ખુલ્યું છે તો ત્યાં પણ પુરા જોશથી ‘ન્યાય આપવા’ ધસી જાય છે !

*** 
છેવટે, ધન્ય છે એ મૂરતિયાને
જેને આવનારા ભવિષ્યની પુરેપુરી ખબર અને ખાતરી છે છતાં સામી છાતીએ પરણવા માટે જઈ રહ્યો છે ! જય હો.

***

- મન્નુ શેખચલ્લી

Comments